ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરને હવે ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન શરૂ થયું છે. એના માટે ભિખારીઓને નહીં પણ ભીખ આપનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવશે.
ઇન્દોરમાં ભીખ આપવા પર કેસ થશે.
ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરને હવે ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન શરૂ થયું છે. એના માટે ભિખારીઓને નહીં પણ ભીખ આપનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે એવું જાહેર કરવામાં આવ્યું છે કે ૨૦૨૫ની ૧ જાન્યુઆરીથી શહેરમાં કોઈ ભીખ નહીં આપી શકે. ઇન્દોરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આશિષ સિંહે ગઈ કાલે રીતસર એક પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરીને કહ્યું હતું કે ઇન્દોરમાં હવે ભીખ આપનારા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભીખ સામેનું પ્રશાસનનું અવેરનેસ અભિયાન આ મહિનાના અંત સુધી ચાલશે અને ૧ જાન્યુઆરીથી જે પણ ભીખ આપતું પકડાશે તેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધવામાં આવશે.
ADVERTISEMENT

તાજેતરના મહિનાઓમાં ઇન્દોરમાં પ્રશાસને એવી કેટલીક ગૅન્ગ્સને પકડી પાડી છે જે રીતસર ભીખ માગવાનો વ્યવસ્થિત ધંધો ચલાવતી હોય અને એના માટે આ ગૅન્ગ્સ કેટલાક લોકોને આ કામમાં પરાણે જોતરતી હોય છે. એને પગલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે લોકોને અપીલ કરવી પડી છે કે ભીખ આપીને પાપમાં ભાગીદાર ન બનો.
ઇન્દોરને ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના એક પાઇલટ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ પ્રોજેક્ટમાં ભારતનાં ૧૦ શહેરોને ભિખારીમુક્ત બનાવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.


