જ્યારે લાંબા સમય સુધી સર્વ કરતા કર્મચારીઓની યાદી બનાવીને તેમને અવૉર્ડ આપવાની વાત આવી ત્યારે એમાં જોઆકિનનું નામ નીકળ્યું અને એ વખતે ખબર પડી કે છ વર્ષથી ભાઈ ઑફિસ આવ્યા જ નથી
પ્રતીકાત્મક તસવીર
નોકરીમાં તમે એક મહિનો પણ રજા પર હો તો તરત જ બૉસના ધ્યાનમાં વાત આવી જાય, પણ શું એવું બને કે વ્યક્તિ છ વર્ષ સુધી ઑફિસ આવે જ નહીં અને છતાં ઑફિસમાં કોઈએ એની નોંધ સુધ્ધાં ન લીધી હોય અને તેનો ફુલ પગાર દર મહિને તેના અકાઉન્ટમાં જમા થતો રહે? યસ, સ્પેનમાં જોઆકિન ગાર્સિયા નામના ભાઈ મ્યુનિસિપલ વૉટર કંપનીમાં પ્લાન્ટ સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. પહેલાં તેણે બે અલગ-અલગ ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ લીધી અને પછી થોડાં વર્ષો બાદ બન્ને ડિપાર્ટમેન્ટમાંથી પોતાની જવાબદારીઓ ધીમે-ધીમે બીજા પર શિફ્ટ કરી દીધી. બન્ને ડિપાર્ટમેન્ટના બૉસને હતું કે જોઆકિનનું કામ બીજાએ જોવાનું છે, પોતે નહીં. એને કારણે શરૂમાં તેણે ઑફિસમાં આવ્યા પછી કામ બંધ કરી દીધું અને એ પછી તો તેણે સદંતર કામે જવાનું જ બંધ કરી દીધું. તેના હોવા કે ન હોવાથી ક્યારેય કામ અટકતું ન હોવાથી કોઈને તેની ગેરહાજરી નોંધાઈ નહીં. જોકે જ્યારે લાંબા સમય સુધી સર્વ કરતા કર્મચારીઓની યાદી બનાવીને તેમને અવૉર્ડ આપવાની વાત આવી ત્યારે એમાં જોઆકિનનું નામ નીકળ્યું અને એ વખતે ખબર પડી કે છ વર્ષથી ભાઈ ઑફિસ આવ્યા જ નથી. આ છ વર્ષ દરમ્યાન તેને વર્ષે ૩૬ લાખ રૂપિયાનો પગાર મળતો રહ્યો હતો.

