આ સૅલડ ડિશ જોઈને અમેરિકાના સેનેટરની યાદ આવે છે?
અમેરિકાના પ્રમુખપદનો અખત્યાર જો બાઇડને સંભાળ્યો એ સમારંભમાં પક્ષના નેતા બર્ની સેન્ડર્સનો ‘કેઝ્યુઅલ લુક’ એટલો બધો લોકપ્રિય થયો કે સોશ્યલ મીડિયા પર તેમની મિમ્સની રમઝટ જામી. ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર બર્ની સેન્ડર્સનાં મિમ્સ જોવા મળતા હતા. ક્રોચેટ ડૉલ્સ અને ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર્સ તો ઠીક ફૂડ આર્ટિસ્ટ્સે પણ બર્ની સેન્ડર્સના ભોળા ચહેરાનો ઉપયોગ કર્યો છે.
સાન્ડ્રા માર્શલ્સ નામની ફૂડ આર્ટિસ્ટે તાજેતરમાં શાકભાજી વડે બર્ની સેન્ડર્સની આકૃતિ રચી હતી. બેબી પોટેટો વડે તેમનું માથું અને કૉલીફ્લાવરના ટુકડા વડે ધોળા વાળ બનાવ્યા હતા. વિશિષ્ટ પ્રકારની કોબીના પાન વડે જૅકેટ અને રિંગણા વડે ટ્રાઉઝર્સ બનાવ્યા હતા. એવી જ રીતે હાથમોજાં, ગ્લાસીસ, ખુરશી વગેરે પણ શાકભાજીનાં બનાવ્યાં હતાં. ફ્લાવરના વધેલા ભાગમાંથી માસ્ક પણ બનાવાયો હતો. સાન્ડ્રા માર્શલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શાકભાજીમાંથી રચેલી બર્ની સેન્ડર્સની આકૃતિ પોસ્ટ કર્યા પછી એ ટ્વિટર પર પણ લોકપ્રિય બની હતી. સ્ટીફન કિંગ નામના લેખક સાન્ડ્રાની કલા પર આફ્રિન થઈ ગયા હતા.

