૨૨ વર્ષની ક્લોઈ વિલિયમ્સનાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે એટલે તે ઇન્વિટેશન કાર્ડ પોસ્ટ કરવા માટે તેને કવરમાં બંધ કરી રહી હતી.
પ્રતીકાત્મક તસવીર
લોકો વજન વધી ન જાય એ માટે ડાયટમાં ઓછી કૅલરીવાળો ખોરાક લે છે. જોકે એક યુવતી એવી છે જેણે કંઈ ખાધાપીધા વગર જ શરીરમાં ૧૦૦૦ કૅલરી ભેગી કરી નાખી હતી. આ વિચિત્ર ઘટના યુવતીએ પોતે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. ૨૨ વર્ષની ક્લોઈ વિલિયમ્સનાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે એટલે તે ઇન્વિટેશન કાર્ડ પોસ્ટ કરવા માટે તેને કવરમાં બંધ કરી રહી હતી. જોકે જીભ વડે એક પછી એક કવરને સીલ કરવા જતાં તે પોસ્ટલ સ્ટૅમ્પનો ગુંદર ચાટી ગઈ હતી. ક્લોઈએ જે બ્રિટિશ સ્ટૅમ્પનો ઉપયોગ કર્યો હતો એના ગુંદરમાં અંદાજે ૧૪ કૅલરી હતી એટલે સંખ્યાબંધ કવરને સીલ કરવા જતાં તેના મોઢામાં ૧૦૦૦થી વધુ કૅલરી ગઈ હતી.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બહુ ગળ્યું અને સ્વાદિષ્ટ ફૂડ ખાય તો કૅલરી વધતી હોય છે, પણ ક્લોઈને તો એક સ્વાદવિહીન વસ્તુને કારણે અજાણતાં જ હજારો કૅલરી મળી ગઈ હતી. તે વધુ નિરાશ એટલા માટે થઈ, કેમ કે તે લગ્નના દિવસે સુંદર દેખાવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ખાનપાનને લઈને સભાન થઈ ગઈ હતી. જોકે પોસ્ટેજ-સ્ટૅમ્પના ગુંદરે તેની મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. આ યુવતીએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલો વિડિયો ૧૦ લાખથી વધુ લોકો સુધી પહોંચી ગયો હતો.

