દિલ્હીના ફિરોઝાબાદના સુરેશ બાબુ રાઠૌર અને તેમનાં પત્નીની જેમ ઘરમાં નાચો, ગાઓ, વિડિયો બનાવો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરો
અજબગજબ
દિલ્હીના ફિરોઝાબાદના સુરેશ બાબુ રાઠૌર અને તેમનાં પત્ની
એકલતા બહુ કોરી ખાય. બીજા શહેરમાં, વિદેશમાં કે સાસરે ગયેલાં સંતાનોની બહુ યાદ આવતી હોય તો દુખી ન થતાં. દિલ્હીના ફિરોઝાબાદના સુરેશ બાબુ રાઠૌર અને તેમનાં પત્નીની જેમ ઘરમાં નાચો, ગાઓ, વિડિયો બનાવો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરો. રાઠૌર-દંપતી પણ આવી જ એકલતા અનુભવતું હતું. બે પુત્રીનાં લગ્ન થઈ ગયાં અને દીકરો નોકરી કરવા આગરા જતો રહ્યો. એ પછી બન્ને ઘરમાં એકલાં રહી ગયાં.
ભર્યું-ભર્યું ઘર એકાએક ખાલી થઈ જતાં દુખી રહેવા લાગ્યાં. અધૂરામાં પૂરું, સુરેશબાબુને કિડનીની બીમારી લાગુ પડી ગઈ. ડૉક્ટરે દવા તો આપી, પણ કોઈ પણ સંજોગોમાં ખુશ રહેવાની સલાહ પણ આપી. હવે, ખુશ કેવી રીતે રહેવું એ વિચાર કરતાં તેમને નાચગાનનો તુક્કો સૂઝ્યો. બન્ને પતિ-પત્ની ઘરમાં નાચી-ગાઈને વિડિયો બનાવવા લાગ્યાં અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા લાગ્યાં. આમ ને આમ બે વર્ષ નીકળી ગયાં અને આજે ૧૫,૦૦૦ જેટલા તેમના ફૉલોઅર્સ છે અને ૧૨ ડૉલર સુધીની તેમની આવક પણ થઈ ગઈ છે.