થોડા દિવસ પહેલાં જ થાઇલૅન્ડમાં યોજાયેલા ટૅટૂ એક્સ્પોમાં તેણે પ્રોફેશનલી ટૅટૂ બનાવવાની શરૂઆત કરી હતી. એ એક્સ્પોમાં લગભગ ૨૦૦થી વધુ આર્ટિસ્ટ હતા, પણ આ ટાબરિયા ટૅટૂ-આર્ટિસ્ટે લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
૯ વર્ષનો ટેણિયો ટિક ટૉક જોઈને બની ગયો પ્રોફેશનલ ટૅટૂ-આર્ટિસ્ટ
થાઇલૅન્ડમાં રહેતો ૯ વર્ષનો નાપત મિટમાકોર્ન ટિક ટૉકના વિડિયો જોવાનો જબરો શોખીન હતો. જોકે આ વિડિયોએ તેને જીવનની અનોખી દિશા બતાવી દીધી છે. ટિક ટૉક પર ટૅટૂ ચીતરવાના ટ્યુટોરિયલ્સ જોઈને તે પ્રોફેશનલ ટૅટૂ-આર્ટિસ્ટ બની ગયો છે. અલબત્ત, તેણે પહેલા જ દિવસથી માણસો પર છૂંદણાં છૂંદવાનું શરૂ નહોતું કર્યું, પણ પહેલાં તેણે પેપર પર ટૅટૂ દોરવાનું શરૂ કર્યું. એ પછી આર્ટિફિશ્યલ લેધર પર છૂંદણાં છૂંદવાનું શરૂ કર્યું અને હવે તે પરિવાર અને મિત્રોને હિન્દુ અને થાઇ સંસ્કૃતિનાં ટૅટૂ બનાવી આપે છે. થોડા દિવસ પહેલાં જ થાઇલૅન્ડમાં યોજાયેલા ટૅટૂ એક્સ્પોમાં તેણે પ્રોફેશનલી ટૅટૂ બનાવવાની શરૂઆત કરી હતી. એ એક્સ્પોમાં લગભગ ૨૦૦થી વધુ આર્ટિસ્ટ હતા, પણ આ ટાબરિયા ટૅટૂ-આર્ટિસ્ટે લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
ટિક ટૉક પર વિડિયો જોવાના અને ઑનલાઇન ગેમિંગના શોખીન નાપતને ગેમિંગનું ઍડિક્શન ન થઈ જાય એ માટે તેના પિતાએ હળવેકથી તેને કોઈ આર્ટ તરફ વાળવા માટે ટિક ટૉક પર કેટલીક આર્ટના ટ્યુટોરિયલ્સ બતાવવાનું શરૂ કરેલું. પિતાની બ્લૉક પ્રિન્ટિંગની ફૅક્ટરી હોવાથી તેમણે પહેલાં દીકરા સાથે મળીને ટૅટૂ દોરવાની પ્રૅક્ટિસ શરૂ કરેલી અને પછી પિતા-પુત્રની જોડીએ પોતાની ટૅટૂ માટેની ચૅનલ શરૂ કરી જેનું નામ હતું ‘ધ ટૅટૂ આર્ટિસ્ટ વિથ મિલ્ક ટીથ.’

