કાવડયાત્રાના મુદ્દે યોગગુરુનો સવાલ
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાના માર્ગ પર હોટેલોના માલિકોએ તેમની ઓળખ જાહેર કરવી જોઈએ એ મુદ્દે ઊભા થયેલા વિવાદમાં યોગગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું છે. વિપક્ષો આ મુદ્દે આરોપ લગાવી રહ્યા છે કે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે બાબા રામદેવે કહ્યું હતું કે રામદેવને આ મુદ્દે કોઈ સમસ્યા નથી તો રહેમાન શા માટે વિરોધ કરે છે?
આ મુદ્દે બોલતાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘જો રામદેવને તેની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને તેની ઓળખ જાહેર કરવામાં કઈ મુશ્કેલી નડે છે? દરેકને તેના નામ માટે ગૌરવ હોવું જોઈએ. નામ છુપાવવાની કોઈ જરૂર નથી, કામમાં માત્ર પવિત્રતા હોવી જોઈએ. જો આપણું કામ શુદ્ધ હોય તો હિન્દુ હોય કે મુસ્લિમ હોય અથવા અન્ય કોઈ ધર્મના હોય એનાથી કોઈ ફરક પડતો નથી.’
ADVERTISEMENT
આ મુદ્દે ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાના માર્ગ પર ભયનો માહોલ છે. આ ભારતીય મુસલમાનો સામે નફરતની વાસ્તવિકતા છે. આ નફરતનું શ્રેય રાજકીય પક્ષો, હિન્દુત્વના નેતાઓ અને કહેવાતા સેક્યુલર પક્ષોને જાય છે.’
આ સિવાય ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોએ પણ આ મુદ્દા પર સરકારને ફેરવિચારણા કરવા કહ્યું છે.


