આ મેગા ઇવેન્ટ ઍક્શન ડ્રામા સાથે આશ્ચર્યચકિત કરનારા ડાન્સમાં ફેરવાઈ ગઈ હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ડબ્લ્યુડબ્લ્યુઈ) સ્પર્ધા આમ તો તેમની કમરતોડ કુસ્તી માટે જાણીતી છે, પણ હાલમાં સોશ્યલ મીડિયામાં ઑસ્કર વિનિંગ સૉન્ગ પર તેમનો ડાન્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે હૈદરાબાદમાં ડબ્લ્યુડબ્લ્યુઈ સુપરસ્ટાર પર્ફોર્મન્સ યોજાયો હતો, જે ખૂબ સફળ રહ્યો અને ફૅન્સને ખૂબ ગમ્યો હતો. આ મેગા ઇવેન્ટ ઍક્શન ડ્રામા સાથે આશ્ચર્યચકિત કરનારા ડાન્સમાં ફેરવાઈ ગઈ હતી. ઉપસ્થિત લોકો આ ઇવેન્ટમાં રેસલિંગ સુપરસ્ટારની સ્પેશ્યલ મોમેન્ટ્સના સાક્ષી બન્યા હતા, જ્યારે તેમણે ‘RRR’ના ‘નાટુ નાટુ’ પર ડાન્સ કર્યો હતો. ડબ્લ્યુડબ્લ્યુઈની રિંગ સામાન્ય રીતે સ્પર્ધાત્મક વાતાવારણ માટે જાણીતી છે. જોકે આવું ભાગ્યે જ બને જ્યારે ડ્રુ મેકઇન્ટાયર, જિન્દર મહેલ, સામી ઝેન અને કેવિન ઑવેન્સ જેવા સુપરસ્ટાર્સે આનંદની ભાવના સાથે ઑસ્કારવિજેતા ગીત પર ડાન્સ કર્યો હતો. આ પહેલવાનોએ મિત્રતા અને ટૅલન્ટનો અદ્ભુત નઝારો બતાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેની ચર્ચા ઇન્ટરનેટ પર થઈ રહી છે. ટિપ્પણી વિભાગમાં અસંખ્ય યુઝરે આ પ્રદર્શનને ભારતીય સૉફ્ટ પાવરના પ્રભાવ અને ભારતીય સિનેમાની લોકપ્રિયતાના આકર્ષણના પુરાવા તરીકે બિરદાવ્યું હતું. જોકે કેટલાકે દલીલ કરી હતી કે ડબ્લ્યુડબ્લ્યુઈ પોતાની તીવ્ર લડાઈ માટે પ્રખ્યાત હોવાથી એ જરૂરી નહોતું, ગીત અને નૃત્ય ડબ્લ્યુડબ્લ્યુઈ ઇવેન્ટ માટે યોગ્ય ન હોઈ શકે.

