રાહુલ ગાંધીએ પોતાના જ ભાષણની ક્લિપને ટ્વિટર પર શૅૅર કરીને લખ્યું કે ‘ઇસ ટી-શર્ટ સે બસ ઇતના ઇઝહાર કર રહા હૂં, થોડા દર્દ આપસે ઉધાર લે રહા હું.’
હરિયાણાના અંબાલામાં ગઈ કાલે ભારત જોડો યાત્રા દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી.
ચંડીગઢઃ ભારત જોડો યાત્રા દરમ્યાન અત્યંત ઠંડીમાં પણ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ્સમાં જોવા મળે છે તો અનેક રાજકીય મુદ્દાઓની સાથે એની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે રાહુલે ખૂબ જ ઠંડીમાં પણ શા માટે માત્ર ટી-શર્ટ જ પહેરવાનું નક્કી કર્યું એનું કારણ જણાવ્યું હતું.
હરિયાણાના અંબાલામાં એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘તેમને હજી સુધી એ વાત સમજાતી નથી કે વાઇટ ટી-શર્ટ શા માટે પહેરું છું. હું તમને કહું છું કે શા માટે મેં એ પહેર્યું છે. એક દિવસ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે સવારે છ વાગ્યે અમે નીકળ્યા ત્યારે ત્રણ ગરીબ બાળકીઓ મારી પાસે આવી હતી. તેમનાં કપડાં ફાટેલાં હતાં. જ્યારે મેં તેમના હાથ પકડ્યા ત્યારે તેઓ ઠંડીથી થથરતી હતી. મેં જોયું તો તેમણે પાતળાં કપડાં પહેર્યાં હતાં. એ દિવસે મેં નિર્ણય લઈ લીધો કે જ્યાં સુધી હું થથરું નહીં ત્યાં સુધી ફક્ત ટી-શર્ટ જ પહેરીશ. જ્યારે મને ખૂબ ઠંડી લાગશે, મુશ્કેલીઓ ફીલ થવા લાગશે ત્યારે હું સ્વેટર પહેરવાનો વિચાર કરીશ. હું એ બાળકીઓને મેસેજ આપવા ઇચ્છું છું કે જો તમને ઠંડી લાગતી હોય તો રાહુલ ગાંધીને પણ ઠંડી લાગશે. જે દિવસે તમે સ્વેટર પહેરશો એ દિવસે રાહુલ ગાંધી સ્વેટર પહેરશે.’