હમ સબ એક હૈં… ખરેખર?
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)
કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓ સહિત અસંતુષ્ટોએ ચર્ચા કરી હતી અને સાથે ગઈ કાલે એક ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં પક્ષને મજબૂત કરવા તેમ જ તેના ભાવિ પગલાંઓ વિશે વિચારણા કરવામાં આવી હતી.
ચાર કલાક ચાલેલી આ મીટિંગ પછી પત્રકારોને સંબોધન કરતાં કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલે કહ્યું હતું કે આ મીટિંગમાં પક્ષને મજબૂત કરવા સંબંધે ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે પક્ષમાં બધા એક છે અને કોઈ મતભેદ નથી.
તેમણે કહ્યું હતું કે પક્ષપ્રમુખ અને કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિ સહિતના સંગઠનાત્મક મતદાન યોજવાની કાર્યવાહી પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે તથા સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (સીઈએ) આ પ્રક્રિયા પર કામ કરી રહી છે. ચૂંટણીપ્રક્રિયા પહેલેથી જ ચાલુ છે અને પક્ષ સામે એક એજન્ડા છે અને સીઈએ તેના પર કામ કરી રહી છે. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
બંસલે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને કહ્યું હતું કે તેઓ બધા એક મોટા પરિવાર સમાન છે અને તેમણે પક્ષને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
રાહુલ ગાંધીએ પણ આ મુજબની જ વાત કહી હતી એમ કહેતાં પવન કુમાર બંસલે કહ્યું હતું કે અસંતુષ્ટો સહિત પક્ષમાં કોઈને પણ રાહુલ ગાંધીના નેતૃત્વ સામે કોઈ વિરોધ નથી.
પક્ષ ઇચ્છે એ કરીશ : રાહુલ
કૉન્ગ્રેસના નેતૃત્વની આલોચના કરીને આ વર્ષના પ્રારંભમાં એમાં ફેરફારની માગણી કરનારા પક્ષના અસંતુષ્ટો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ પક્ષ ઇચ્છે એ મુજબ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું તમે સૌ ઇચ્છો એ પ્રમાણે પક્ષ માટે કામ કરવા ઇચ્છું છું એમ કૉન્ગ્રેસના નેતા પવન બંસલે બેઠક બાદ જણાવ્યું હતું. આ ઉપરાંત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે પક્ષમાં બહેતર પ્રત્યાયનની તથા પક્ષે સ્થાનિક સ્તરે મજબૂત થવાની જરૂરિયાત બાબતે સંમતિ દર્શાવી હતી.

