કતારમાં કેદ આઠ ભારતીયોને રાહત મળ્યા બાદ વિદેશ મંત્રાલયે આમ જણાવ્યું
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ કતારની જેલમાં કેદ ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીને રાહત મળતાં ભારત સરકારે ગઈ કાલે કહ્યું કે હજી આપણે થોડી વધારે રાહ જોવી પડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કતાર મામલે હું વધારે ટિપ્પણી નહીં કરું,
કારણ કે હજી સુધી વિસ્તૃત આદેશની કૉપી આવી નથી. આ સંવેદનશીલ મામલો છે. અમારી ચિંતા આઠ ભારતીયો અને તેમના પરિવારના હિત સાથે જોડાયેલી છે જેથી આપણે થોડી વધારે રાહ જોવાની રહેશે. અમારું આગામી પગલું એ રહેશે કે આ સમગ્ર મામલે કાયદાકીય ટીમ સાથે ચર્ચા કરવી.
ADVERTISEMENT
અમે ચુકાદો ચકાસીશું. અમે કાયદાકીય ટીમ તથા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીશું. અહીં નોંધનીય છે કે વિદેશ મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું હતું કે કતારની કોર્ટે કથિત જાસૂસીના આરોપમાં ધરપકડ કરેલા આઠેય અધિકારીની ફાંસીની સજા કેદમાં ફેરવી દીધી છે. કતાર પોલીસે ગયા વર્ષે ઑગસ્ટમાં આ આઠેય અધિકારીઓની ધરપકડ કરી હતી. ત્યારથી આ આઠેય અધિકારીઓ કતારની જેલમાં છે. કતારની કોર્ટ ઑફ અપીલમાં ભારતના કતારસ્થિત રાજદૂત અને અન્ય અધિકારીઓ સજા ભોગવી રહેલા અધિકારીઓના પરિવાર સાથે હાજર રહ્યા હતા.


