ભૂસ્ખલન થયું અને જ્યાં નીથુ ઊભી હતી ઘરના એ ભાગ પર મોટો પથ્થર આવ્યો અને ઘરનો એ હિસ્સો દટાઈ ગયો
નીથુ જોજો
વાયનાડમાં મેપ્પાડી પંચાયત વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક વાગ્યે ભૂસ્ખલન થયા બાદ બચાવવા માટે મદદ મોકલો એવો સૌથી પહેલો ફોન કરનારી મહિલાનો મૃતદેહ શનિવારે બચાવ-કર્મચારીઓને તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો.
પ્પાડીમાં આવેલી વાયનાડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (WIMS)માં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી નીથુ જોજોના ઘરમાં સવારે ૧.૩૦ વાગ્યે પાણી આવતાં તે જાગી ગઈ હતી અને તેણે મદદ માટે WIMSમાં ફોન કર્યો હતો. એ પછી પહેલી બચાવ-ટુકડી રવાના થઈ હતી. જોકે જ્યાંથી તેણે ફોન કર્યો હતો એ સૌથી વધુ પ્રભાવિત ચૂરલમાલા ગામમાં પહોંચતાં બચાવ-ટીમને કલાકોનો સમય લાગ્યો હતો, કારણ કે ગામ સુધી પહોંચવાના તમામ રસ્તા બ્લૉક થયા હતા. ટીમ જ્યારે શનિવારે પહોંચી ત્યાં સુધીમાં તો તે ભૂસ્ખલનમાં આવેલા કાદવમાં દટાઈ ગઈ હતી. શનિવારે તેનો મૃતદેહ મળ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નીથુ તેના પતિ જોજો જોસેફ, પાંચ વર્ષના પુત્ર અને તેના પેરન્ટ્સ સાથે રહેતી હતી. ઘરમાં પાણી ભરાયા બાદ તેણે હૉસ્પિટલમાં ફોન કર્યો અને આખો પરિવાર આસપાસ રહેતા લોકો સાથે એકઠો થયો અને ઘરમાં રહેવું સલામત નહીં રહે એવું વિચારીને તેઓ પહાડની ઉપર જવાનો વિચાર કરતા હતા. બચાવ-ટીમ મોકલવા માટે નીથુ વારંવાર ફોન કરતી રહી હતી. જોકે એ જ સમયે ચાર વાગ્યે બીજું ભયાવહ ભૂસ્ખલન થયું અને જ્યાં નીથુ ઊભી હતી ઘરના એ ભાગ પર મોટો પથ્થર આવ્યો અને ઘરનો એ હિસ્સો દટાઈ ગયો. આ દુર્ઘટના બાદ જોજો જોસેફ અને તેનો પરિવાર પહાડની ઉપર તરફ જતા હતા પણ નીથુનો કોઈ પત્તો નહોતો. શનિવારે તેનો મૃતદેહ ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


