સિંધુ સભ્યતાની લિપિને ઉકેલી આપનારને તેઓ એક મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે અંદાજે સાડાઆઠ કરોડ રૂપિયાનું ઇનામ આપશે
લિપિ અને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને જાહેરાત કરી છે કે સિંધુ સભ્યતાની લિપિને ઉકેલી આપનારને તેઓ એક મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે અંદાજે સાડાઆઠ કરોડ રૂપિયાનું ઇનામ આપશે. મહત્ત્વની વાત એ છે કે છેલ્લી એક સદીથી આ લિપિને જાણી શકાઈ નથી અને એ રહસ્યમયી બની રહી છે.
ચેન્નઈ પાસેના એગ્મોર નામના ગામના સરકારી મ્યુઝિયમમાં ત્રણ દિવસની એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સના ઉદ્ઘાટન વખતે સ્ટૅલિને આ જાહેરાત કરી હતી. એમાં દુનિયાભરમાંથી પ્રસિદ્ધ પુરાતત્ત્વવાદીઓ, ઇતિહાસકારો અને વિદ્ધાનો સિંધુ ઘાટી સભ્યતા અને તામિલનાડુ સાથે એના સંબંધ પર ચર્ચા કરશે. પોતાના પ્રવચનમાં સ્ટૅલિને કહ્યું હતું કે સિંધુ ઘાટીમાં મળેલાં માટીનાં વાસણો પર જોવા મળતાં લગભગ ૬૦ ટકા પ્રતીક તામિલનાડુમાં ખોદકામ વખતે મળેલી કલાકૃતિઓ પર જોવાં મળેલાં પ્રતીકો જેવાં છે. આ આશ્ચર્યજનક સમાનતાએ વિદ્ધાનો વચ્ચે ઘણી રુચિ જન્માવી છે અને એ સિંધુ ઘાટી સભ્યતાનાં રહસ્યોને ઉજાગર કરી શકે છે.