ગુનામાં પીએમ મોદીએ કહ્યું હતું
મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુના જિલ્લામાં ગઈ કાલે એક જનસભા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મધ્ય પ્રદેશના દમોહ અને ગુનામાં ચૂંટણી-સભાને સંબોધતી વખતે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની આકરી ઝાટકણી કાઢી હતી. ગુનામાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ઇન્ડિયા ગઠબંધનના લીડરે વિધાનસભામાં કે જ્યાં માતાઓ અને બહેનો હાજર હતી, કોઈ કલ્પના ન કરી શકે એવી ભાષામાં અશ્લીલ વાતો કરી હતી. તેમને કોઈ શરમ નથી. એટલું જ નહીં, ઇન્ડિયા ગઠબંધનના એક પણ લીડરે માતાઓ-બહેનોના આ અપમાનની વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો નથી. જે લોકો મહિલાઓ વિશે આવું વિચારે છે, શું તેઓ તમારા માટે સારું કરી શકે છે?’
મોદીએ ચૂંટણી-સભામાં મહિલાઓને સવાલ કર્યો હતો કે ‘શું તેઓ તમારું સન્માન કે ગૌરવ કરી શકે છે? દેશની કેવી કમનસીબી છે. કેટલા નિમ્નસ્તરે જશો? દુનિયામાં દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છો. હું મારી માતાઓ અને બહેનોના સન્માન માટે જે શક્ય હશે, એમાં ક્યારેય પીછેહઠ નહીં કરું.’

