દિલ્હીમાં ઝૂંપડાવાસીઓને પાકાં મકાનની ચાવી આપતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું...
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અશોક વિહાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે બનેલા ફ્લૅટ લોકાર્પણ કર્યા હતા, લાભાર્થીઓને એની ચાવી હતી અને ફ્લૅટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં અને ઝૂંપડાંમાં રહેતા આશરે ૧૫૦૦થી વધારે લોકોને પાકાં ઘરની ચાવી સુપરત કરી હતી. આ પ્રસંગે તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી અને એમાં જણાવ્યું હતું કે ‘ઝૂંપડાના સ્થાને પાકું મકાન અને ભાડાના ઘરની જગ્યાએ પોતાનું ઘર એ વાસ્તવમાં એક નવી શરૂઆત છે. જે પરિવારોની અનેક પેઢીઓ ઝૂંપડાંમાં રહેતી હતી એ હવે નવી આશા સાથે પાકા મકાનમાં રહેવા ગઈ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અમે ૪ કરોડથી વધારે ગરીબોનાં ઘર બાંધીને તેમનાં સપનાં પૂરાં કર્યાં છે.’
આ સભામાં નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને ખૂબ ચાબખા માર્યા હતા અને અરવિંદ કેજરીવાલે પોતાના બંગલામાં કરેલા ઠાઠમાઠ સંબંધે ટોણો મારતાં કહ્યું હતું કે હું પણ કોઈ શીશમહલ બનાવી શકતો હતો, પણ મારા માટે મારા દેશવાસીઓને પાકાં ઘર મળે એ જ એક સપનું હતું.
ADVERTISEMENT
ઝૂંપડાના સ્થાને પાકું ઘર, ભાડાના ઘરની જગ્યાએ પોતાનું ઘર એ તો નવી શરૂઆત છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જેમને આ ઘર મળ્યાં છે એ તેમના સ્વાભિમાનનાં ઘર છે, આત્મસન્માનનાં ઘર છે. આ નવી આશા અને નવા સપનાનાં ઘર છે. આ ઘરના માલિકો ભલે દિલ્હીના અલગ-અલગ લોકો હોય, પણ આ બધા મારા પરિવારના સભ્યો છે. દેશ સારી રીતે જાણે છે કે મોદીએ ક્યારેય પોતાના માટે ઘર બનાવ્યું નથી; પણ છેલ્લાં ૧૦ વર્ષમાં ૪ કરોડથી વધારે ગરીબોનાં ઘર, તેમનાં સપનાં પૂરાં કર્યાં છે.’