ભારત જોડો યાત્રા દિલ્હીમાં પ્રવેશી, જ્યાં કોરોના દુનિયામાંથી હંમેશ માટે નાબૂદ થઈ ગયો હોય એવો વર્તાવ જોવા મળ્યો
નવી દિલ્હીમાં ગઈ કાલે ભારત જોડો યાત્રા દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે રાહુલ ગાંધી. તસવીર: પી.ટી.આઇ.
દિલ્હી : રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા ગઈ કાલે દિલ્હીમાં પ્રવેશી હતી. જેને લીધે દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી. આરોગ્યપ્રધાને કોરોનાના જોખમને કારણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અથવા તો ભારત જોડો યાત્રા સ્થગિત કરવા માટે રાહુલ ગાંધીને જણાવ્યું હતું, પરંતુ આ યાત્રામાં ગઈ કાલે હજારો લોકો જોડાયા હતા.
જયરામ રમેશ, પવન ખેડા, ભૂપિન્દર સિંહ હૂડા, કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના અનેક નેતાઓ રાહુલની સાથે કૂચ કરતા જોવા મળ્યા હતા. બાદમાં કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમ જ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ રાહુલની સાથે જોડાયાં હતાં.
ADVERTISEMENT
આ યાત્રા દિલ્હીમાં પ્રવેશતાં એના અનેક વિડિયોઝ અને ફોટોગ્રાફ્સમાં જોવા મળ્યું હતું કે રાહુલ જ નહીં, પરંતુ કૉન્ગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના એકબીજાની લગોલગ ચાલતા જોવા મળ્યા હતા. કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. નોંધપાત્ર છે કે રાહુલે જણાવ્યું હતું કે સરકાર ભારત જોડો યાત્રાને અટકાવવા માટે કોરોનાનું બહાનું બતાવી રહી છે.
હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવામાં આવી રહી છે
રાહુલ ગાંધીએ એક હથિયાર તરીકે ધર્મના આધારે ધિક્કારની લાગણી ફેલાવવા બદલ બીજેપી સરકારની આકરી ટીકા કરી હતી. ભારત જોડો યાત્રા લાલ કિલ્લા પર પહોંચતાં અહીં તેમણે કહ્યું હતું કે ‘ચોવીસે કલાક હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચે નફરત ફેલાવવામાં આવી રહી છે. ખરા મુદ્દાઓથી ધ્યાન બીજે ડાઇવર્ટ કરવા માટે આમ થઈ રહ્યું છે. હું ૨૮૦૦ કિલોમીટર ચાલ્યો, પણ મેં સહેજ પણ ધિક્કારની લાગણી જોઈ નથી. હું જ્યારે ન્યુઝ ચૅનલો જોઉં છું ત્યારે એમાં હિંસા જોઉં છું.’