મહાકુંભના આયોજનને સફળ બનાવનારા અધિકારીઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કર્યું
ગઈ કાલે સંગમતટ પર સાફસફાઈ અને મા ગંગાની પૂજા કરતા યોગી આદિત્યનાથ
૪૫ દિવસ ચાલેલા મહાકુંભના સફળતાપૂર્વક સમાપન બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના કૅબિનેટના સાથીઓ સાથે ગઈ કાલે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને અરૈલ ઘાટ પર જઈને સાફસફાઈમાં ભાગ લીધો હતો. આ આયોજનને સફળ બનાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંસ્થાઓનું પણ તેમણે સન્માન કર્યું હતું.
પ્રયાગરાજ પહોંચ્યા બાદ યોગી આદિત્યનાથ બન્ને નાયબ મુખ્ય પ્રધાનો બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય સાથે લેટે હુએ હનુમાન મંદિર પહોંચ્યા હતા અને તેમની પૂજા-આરાધના કરી હતી.
ADVERTISEMENT
સંગમતટે સફાઈ કરી
યોગી આદિત્યનાથ ગઈ કાલે સવારે મહાકુંભ ૨૦૨૫ની વિધિવત્ પૂર્ણાહુતિ માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને તેમણે અરૈલ ઘાટ પર સાફસફાઈ-કર્મચારીઓ સાથે ગંગા ઘાટની સફાઈ કરી હતી. સ્નાનાર્થીઓએ મૂકેલાં વસ્ત્રો હટાવવામાં તેમણે પ્રધાનો સાથે શ્રમદાન કર્યું હતું.
બોટ ખરીદવા નાણાં મળશે
યોગી આદિત્યનાથે બોટમાલિકો સાથે વાતચીત કરી હતી અને તેમનાં રજિસ્ટ્રેશન બાદ બોટ ખરીદવા માટે તેમને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. એવું કહ્યું હતું. જેમની પાસે વીમો નથી તેમને આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.
સફાઈકર્મીઓને બોનસ, પગારવધારો
યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભની પૂર્ણાહુતિ સાથે મહાકુંભમાં કાર્યરત સફાઈકર્મીઓનો પગાર વધારવાની અને તેમને ૧૦,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી છે. તેમને હવે મિનિમમ ૧૬,૦૦૦ રૂપિયાનું માસિક વેતન મળશે. તેમને પાંચ લાખ રૂપિયા સુધીનો ઇલાજ મફત મળશે.
સફાઈકર્મીઓ સાથે ભોજન લીધું
યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્ય પ્રધાનો બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યએ કૅબિનેટના મિનિસ્ટરો અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) પ્રશાંત કુમાર સાથે સફાઈકર્મીઓ સાથે બેસીને ભોજન લીધું હતું.
પ્રયાગરાજમાં બન્યા ત્રણ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ
પ્રયાગરાજમાં મહાકુંભ વખતે ત્રણ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ બન્યા હતા.
પહેલો રેકૉર્ડ ૩૨૯ સ્થાનો પર એકસાથે ગંગાને સાફ કરવાનો રેકૉર્ડ.
બીજો ૧૯,૦૦૦ લોકો દ્વારા એકસાથે ઝાડુ લગાવવાનો રેકૉર્ડ, જે પહેલાં ૧૦,૦૦૦ લોકોનો હતો.
ત્રીજો એકસાથે ૧૦,૧૦૨ લોકો દ્વારા હૅન્ડ-પેઇન્ટિંગનો રેકૉર્ડ, જે પહેલાં ૭૬૬૦ લોકોનો હતો.
ગઈ કાલે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા આ ત્રણ સર્ટિફિકેટ ઉત્તર પ્રદેશ સરકારને આપવામાં આવ્યા હતા.
સનાતનનો ઝંડો કદી નીચે નહીં ઝૂકે : યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે એક વિડિયોની વાત કરીને કહ્યું કે ‘કેટલાક લોકો બીજા સ્થળનો વિડિયો બતાવીને પ્રયાગરાજના મહાકુંભને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. એ રાતે દુખદ ઘટના બની, અમે પીડિત પરિવારો સાથે છીએ; પણ વિપક્ષે કાઠમાંડુનો વિડિયો પ્રયાગરાજનો બતાવીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરી. મોટી સંખ્યામાં ભાવિકોએ આવીને સ્પષ્ટ કરી દીધું કે તેઓ વિપક્ષના ખોટા પ્રચારમાં નહીં ફસાય અને સનાતનનો ઝંડો કદી નીચે નહીં ઝૂકે.’

