લેક્સ ફ્રિડમૅને નરેન્દ્ર મોદીને ગાયત્રી મંત્ર સંભળાવ્યો હતો અને પછી પૂછ્યું હતું કે હું આ મંત્ર બરાબર બોલ્યો છું કે નહીં?
લેક્સ ફ્રિડમૅન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લેનાર ૪૧ વર્ષના લેક્સ ફ્રિડમૅન અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)માં પૉડકાસ્ટર અને રિસર્ચ સાયન્ટિસ્ટ છે. તેમણે ઈલૉન મસ્ક, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સહિતના ઘણા જાણીતા મહાનુભાવોના ઇન્ટરવ્યુ લીધા છે.
લેક્સ ફ્રિડમૅનનો જન્મ ૧૯૮૩ની ૧૫ ઑગસ્ટે સોવિયેત સંઘના તાજિકિસ્તાનમાં થયો હતો. શરૂઆતનું શિક્ષણ તેમણે મૉસ્કોમાં લીધું હતું. ૧૯૯૧માં તેમનો પરિવાર અમેરિકા જતો રહ્યો હતો અને શિકાગોમાં તેમણે આગળનું શિક્ષણ લીધું હતું. તેમણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રૅજ્યુએશન બાદ ઇલેક્ટ્રિક અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડૉક્ટરેટ કર્યું છે. ૬ મહિના સુધી નોકરી કર્યા બાદ તેમણે ગૂગલ જેવી મોટી કંપની છોડી દીધી હતી. તેઓ અમેરિકાના ઑસ્ટિન શહેરમાં રહે છે. તેમની યુટ્યુબ ચૅનલના ૪૦ લાખ સબસ્કાઇબર્સ છે. એમાંથી તેમને ઘણી આવક થાય છે. તેમની સંપત્તિ ૮૦ લાખ ડૉલર જેટલી છે.
ADVERTISEMENT
પૉડકાસ્ટ માટે લેક્સ ફ્રિડમૅને ૪૫ કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું ગયા ૪૫ કલાકથી ઉપવાસ કરી રહ્યો છું. લગભગ બે દિવસથી માત્ર પાણી પી રહ્યો છું. મેં આ તમારી અને મારી વાતચીતના સન્માનમાં આમ કર્યું છે, જેથી આપણે આધ્યાત્મિક રૂપથી વાત કરી શકીએ.’
આ સાંભળીને મોદીએ જવાબમાં કહ્યું હતું કે ‘આ મારા માટે આશ્ચર્યજનક અને સન્માનની વાત છે. આપના આ વિચારશીલ ભાવ માટે આપનો આભાર વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે. આ આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રકારનાં સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. ઉપવાસ તમારા વિચારોને નિખારે છે અને વિચારોમાં નવીનતા લાવે છે. મેં પહેલો ઉપવાસ ત્યારે કર્યો હતો જ્યારે મહાત્મા ગાંધીની ઇચ્છા અનુસાર આખા દેશે ગૌરક્ષા માટે એક દિવસનો ઉપવાસ કર્યો હતો.’
લેક્સ ફ્રિડમૅને નરેન્દ્ર મોદીને ગાયત્રી મંત્ર સંભળાવ્યો હતો અને પછી પૂછ્યું હતું કે હું આ મંત્ર બરાબર બોલ્યો છું કે નહીં? ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તમે ઘણું સારું કર્યું છે. આ મંત્ર સૂર્યની તેજસ્વી શક્તિને સમર્પિત છે, સૂર્યઉપાસના સાથે જોડાયેલો છે. જે મંત્ર છે એનો વિજ્ઞાન સાથે કોઈ ને કોઈ સંબંધ છે. વિજ્ઞાન અને પ્રકૃતિ ક્યાંય ને ક્યાંય જોડાયેલાં છે. મંત્રનો પાઠ કરવાથી ઘણો લાભ થાય છે. આધ્યાત્મિક જ્ઞાન માટે એ શક્તિશાળી સાધન માનવામાં આવે છે.’

