વર્ષો જૂની આ પરંપરા શ્રીમાથુર ચતુર્વેદ પરિષદ દ્વારા હજી ચાલુ રાખવામાં આવી છે
કંસનો વધ થયો મથુરામાં
કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે શ્રીકૃષ્ણએ તેમના મામા કંસની હત્યા કરી હોવાથી મથુરામાં આ દિવસે કંસવધ પર્વ મનાવવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા શ્રીમાથુર ચતુર્વેદ પરિષદ દ્વારા હજી ચાલુ રાખવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે કંસવધ મેળામાં ભાગ લેવા માટે ચતુર્વેદી સમાજના મુંબઈ અને વિદેશમાં રહેતા લોકો ખાસ મથુરા આવતા હોય છે. આ વર્ષે મુંબઈથી ૨૦૦ અને દુબઈથી ૪૦ લોકો આવ્યા છે. આ પર્વને ધર્મ પર અધર્મની જીતના રૂપમાં મનાવવામાં આવે છે. આ મેળામાં કંસનું પૂતળું બનાવવામાં આવે છે અને એને મથુરામાં હનુમાન ગલીથી રંગેશ્વર અખાડા સુધી લઈ જવામાં આવે છે. ત્યાર બાદ કંસ ટીલે નામની જગ્યાએ કંસના પૂતળાને લાકડીથી મારીને નષ્ટ કરવામાં આવે છે અને કંસ ખાર (આ જગ્યાએ કંસની હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે)માં પૂતળાનું માથું વાઢવામાં આવે છે. પૂતળાને નષ્ટ કર્યા બાદ બધા વિશ્રામ ઘાટ જાય છે અને ત્યાં ભગવાનને વિશ્રામ આપીને તેમનું પૂજન કરે છે.