ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે તેની વાઇફ કિરણદીપ કૌરને મારતો હતો અને તેને બંધક બનાવી રાખતો
અમ્રિતપાલ ધાર્મિક સિખ નહીં, પરંતુ કૅરૅક્ટરલેસ વ્યક્તિ છે?
‘વારિસ પંજાબ દે’ના વડા અમ્રિતપાલ સિંહને પકડવા માટે પોલીસ અનેક રાજ્યોમાં શોધ કરી રહી છે ત્યારે એક ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ ખાલિસ્તાની સમર્થક લીડરનો ખરો ચહેરો ઉજાગર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમ્રિતપાલ ધાર્મિક સિખ નથી અને તે દુબઈમાં શાનદાર રીતે જીવન જીવતો હતો અને અવારનવાર થાઇલૅન્ડ જતો હતો. આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમ્રિતપાલ કિરણદીપ કૌરને માર મારતો હતો, જેની સાથે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં મૅરેજ કર્યાં હતાં.
કિરણદીપને બંધક બનાવીને રાખવામાં આવી હતી. તેને અમ્રિતપાલના અન્ય મહિલાઓ સાથેના સંબંધો વિશે શંકા હતી. વારિસ પંજાબ દેને ફૉરેનથી મળેલા ફન્ડ વિશે પોલીસે કિરણદીપને સવાલો પૂછ્યા હતા. ૧૮મી માર્ચે પંજાબ પોલીસે અમ્રિતપાલની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેના અનેક સાથીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અમ્રિતપાલ હજી ફરાર છે.
ADVERTISEMENT
ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકતો બહાર આવી
૧) અમ્રિતપાલ પત્નીને માર મારે છે અને કિરણદીપ કૌરને તેણે બંધક બનાવી હતી. કિરણદીપનો પરિવાર પંજાબનો છે, પરંતુ એ યુકેમાં સેટલ થયો હતો. કિરણદીપ યુકેની નાગરિક છે.
૨) અમ્રિતપાલ તેના ભૂતકાળ વિશે વાત કરતો નથી, કેમ કે તે જે ઇમેજ ઊભી કરવા માગે છે એને તેના ભૂતકાળને કારણે નુકસાન થશે એવો ડર સતાવે છે. અમ્રિતપાલ ૨૦૨૨માં ભારતમાં આવ્યો એ પહેલાં દુબઈમાં એક ટ્રક-ડ્રાઇવર હતો.
૩) અમ્રિતપાલનું કદાચ થાઇલૅન્ડની સાથે કનેક્શન છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે અનેક વખત થાઇલૅન્ડ ગયો છે. તે કદાચ થાઇલૅન્ડમાં પ્રોસ્ટિટ્યુશન ઍક્ટિવિટી માટે ગયો હોઈ શકે છે કે પછી થાઇલૅન્ડમાં તેની બીજી વાઇફ હોઈ શકે છે.
૪) અમ્રિતપાલ વિદેશમાં હતો ત્યારે સિખની કોઈ ધાર્મિક પરંપરા કે રીતરિવાજનું પાલન નહોતો કરતો.
૫) દુબઈમાં અમ્રિતપાલના ડ્રગ ડીલર્સની સાથે નજીકના સંબંધો હતા. તે જસવંત સિંહના ખાસ કૉન્ટૅક્ટમાં આવ્યો હતો કે જેનો ભાઈ પાકિસ્તાનથી ઑપરેટ કરે છે.
કૅનેડામાં ખાલિસ્તાની સપોર્ટર્સે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું
કૅનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની એક પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. ગાંધીજીની પ્રતિમાને તોડવાની પણ કોશિશ થઈ હતી. ભારતવિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં સ્પ્રેથી લખાણ લખવામાં આવ્યું હતું. ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાનના સમર્થનમાં અનેક પોસ્ટર્સ પણ લહેરાવ્યાં હતાં. આ ઘટનાનો વિડિયો આવ્યા બાદ અહીં રહેતા મૂળ ભારતીયોએ એનો વિરોધ કર્યો હતો. કૅનેડાના ઓન્ટેરિયો પ્રાંતના હૅમિલ્ટન શહેરમાં સિટી હૉલની પાસે ગુરુવારે સવારે ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારત સરકારે આ ઘટનાને લઈને કૅનેડિયન ઑથોરિટી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.