ગુજરાતના પ્રવાસે ગયેલા વિદેશપ્રધાને સુરતમાં આ વાત કહી હતી
એસ. જયશંકરે
વિદેશપ્રધાન એસ. જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને નકારી કાઢ્યો હતો. હાલમાં ચીનની સરકારે અરુણાચલ પ્રદેશની ૩૦ વિવિધ જગ્યાનાં નામ બદલી નાખ્યાં હતાં. આ મુદ્દે પૂછવામાં આવતાં જયશંકરે વળતો સવાલ કર્યો હતો કે ‘જો હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું એ મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને હંમેશાં રહેશે એ સ્પષ્ટ છે. નામ બદલવાથી કશું વળવાનું નથી. લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર આપણું સૈન્ય તહેનાત છે.’ ગુજરાતના પ્રવાસે ગયેલા વિદેશપ્રધાને સુરતમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને ‘ઝંગનાન’ નામે ઓળખાવે છે અને આ વિસ્તાર દક્ષિણ તિબેટના ભાગરૂપ હોવાનો દાવો કરતું આવ્યું છે.
સલામતી પરિષદમાં ભારતનું સ્થાન નક્કી છે
મંગળવારે રાજકોટમાં વિદેશપ્રધાન જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં ભારત અચૂક સ્થાન મેળવશે, જોકે એ માટે આપણા દેશે વધુ મહેનત કરવાની રહેશે. રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેની ચર્ચા દરમ્યાન એક સવાલના જવાબમાં વિદેશપ્રધાને આ વાત કહી હતી.