આ સવાલનો ગૃહરાજ્યપ્રધાને જવાબ આપતાં કહ્યું કે આવો ડેટા કેન્દ્રીય સ્તરે રાખવામાં આવતો નથી
મહાકુંભમાં નાસભાગ
મહાકુંભમાં ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા વખતે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘કેન્દ્રીય સ્તરે આવો કોઈ ડેટા રાખવામાં આવતો નથી. બંધારણની સાતમી સૂચિ મુજબ જાહેર વ્યવસ્થા અને પોલીસ રાજ્યનો વિષય છે. ધાર્મિક મેળાવડાનું આયોજન, ભીડનું મૅનેજમેન્ટ, શ્રદ્ધાળુઓ માટે સુવિધાની જોગવાઈ, મેળાવડામાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો એ અટકાવવાની જવાબદારી જાહેર વ્યવસ્થામાં આવે છે અને એ રાજ્યનો વિષય છે. આ વિષય રાજ્ય સરકારોના કાર્યક્ષેત્રમાં આવે છે. કેન્દ્રીય રીતે આવો કોઈ ડેટા જાળવવામાં આવતો નથી.’
આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તેમણે ભીડના સંચાલન માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવી જોઈએ તેમ જ યોગ્ય અધિકારીઓ માટે ચેકલિસ્ટ તૈયાર કરવાં જોઈએ.
ADVERTISEMENT
મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગમાં ૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકના પરિવારજનો માટે પચીસ લાખ રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જુડિશ્યલ તપાસનો આદેશ આપ્યો હતો.


