EDની તપાસ બાદ ૩૧ જાન્યુઆરીએ હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું
હેમંત સોરેન
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને જમીનકૌભાંડ કેસમાં હાઈ કોર્ટે ગઈ કાલે જામીન આપ્યા હતા. જામીન આપતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે ‘હેમંત સોરેન આ કેસમાં પ્રાથમિક રીતે દોષી જણાતા નથી. જામીન પર પિટિશનર કોઈ ગુનો આચરે એવી શક્યતા દેખાતી નથી. સોરેન સામે હાલમાં કોઈ કેસ જણાતો નથી એટલે તેમને જામીન પર છોડવામાં આવે.’ સોરેન જામીન માટે ૫૦,૦૦૦ રૂપિયા અને એટલી જ રકમના બે સાક્ષીઓ આપ્યા બાદ ગઈ કાલે સાંજે જેલમાંથી બહાર આવ્યા હતા.
ઝારખંડ મુક્તિ મોરચાના નેતાની ૩૧ જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પૂછપરછ કર્યા બાદ મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે સોરેને રાંચીમાં કરોડો રૂપિયાની ૮.૮૬ એકરની જમીન દસ્તાવેજોની હેરફેર અને બનાવટી ટ્રાન્ઝૅક્શન દ્વારા મેળવી હતી.