એક ખેડૂતે આ મંદિર તેના ઘરમાં બાંધ્યું છે, એમાં ડોનલ્ડ ટ્રમ્પની છ ફુટની પ્રતિમા છે
તેલંગણના ગામમાં બનેલું ડોનલ્ડ ટ્રમ્પનું મંદિર
અમેરિકાના પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પ બીજી વાર ચૂંટાઈ આવ્યા છે ત્યારે તેલંગણમાં ૨૦૧૯માં બનાવવામાં આવેલું તેમનું મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. મંદિર બનાવનાર હયાત નથી, પણ ગામવાસીઓએ ટ્રમ્પની જીત બાદ આ મંદિર સાફ કર્યું હતું અને ડોનલ્ડ ટ્રમ્પની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો.
ક્યાં છે મંદિર?
ADVERTISEMENT
આ મંદિર જનગાંવ જિલ્લાના કોને ગામમાં છે અને એ બુસા કૃષ્ણાએ ૨૦૧૯માં બનાવ્યું હતું. કૃષ્ણાનું ૨૦૨૦ના ઑક્ટોબર મહિનામાં ૩૩ વર્ષની વયે હાર્ટ-અટૅકથી નિધન થયું હતું, પણ તેના પરિવારજનો ટ્રમ્પની પૂજા-અર્ચના કરે છે. તેમણે અને ગામના અન્ય લોકોએ મંદિર તથા ટ્રમ્પની પ્રતિમાને સાફ કરીને હાર પહેરાવ્યો હતો. બુસા કૃષ્ણાએ ૨૦૧૮માં તેના ઘરના પૂજારૂમને ટ્રમ્પના મંદિરમાં ફેરવી દીધો હતો. એક ભક્ત તરીકે તેણે મંદિરમાં ટ્રમ્પની તસવીરો લગાવી દીધી હતી. એ સમયે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ હતા. તે રોજ ટ્રમ્પની પૂજા કરતો હતો. ૨૦૧૯માં તેણે ટ્રમ્પની ૬ ફુટ ઊંચી પ્રતિમા તેના ઘરની સામે જ લગાવી દીધી હતી. તે દૂધથી આ મૂર્તિનો અભિષેક કરતો હતો અને નિયમિત પૂજા પણ કરતો. ટ્રમ્પની પ્રતિમા લગાવવા માટે તેણે બે લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનો તેનો દાવો હતો.
હુલામણું નામ ટ્રમ્પ કૃષ્ણા
બુસા કૃષ્ણાને ગામના લોકો ટ્રમ્પ કૃષ્ણાના હુલામણા નામથી પણ ઓળખતા હતા. તેણે ઘરની આસપાસ ટ્રમ્પનાં પોસ્ટરો અને સ્ટિકરો લગાવી દીધાં હતાં અને ટ્રમ્પનાં વખાણ કરતાં લખાણો પણ દીવાલો પર લખ્યાં હતાં. કોવિડ-19 વખતે ટ્રમ્પને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો ત્યારે તેણે એક મિનિટનો વિડિયો રિલીઝ કર્યો હતો અને એમાં તે રડતાં-રડતાં ટ્રમ્પ જલદી સાજા થાય એવી પ્રાર્થના કરતો દેખાયો હતો. ૨૦૨૦માં પણ તેણે ફરી ટ્રમ્પ ચૂંટાઈ આવે એવી પ્રાર્થના કરી હતી.
સપનામાં આવ્યા હતા ટ્રમ્પ
આ ગામમાં કૃષ્ણાની બે એકર ખેતીની જમીન છે અને એનું તે ધ્યાન રાખતો હતો. તેણે કહ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ તેના સપનામાં આવ્યા હતા અને તેમણે આગાહી કરી હતી કે ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં ભારત જીતી જશે. આ મૅચમાં ભારતની જીત બાદ કૃષ્ણાની ટ્રમ્પમાં શ્રદ્ધા વધી ગઈ હતી. તેલંગણના એક એન્જિનિયરની અમેરિકામાં હત્યા થઈ ત્યારે તેને ટ્રમ્પનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. ૨૦૧૭માં અમેરિકન નેવીના એક ભૂતપૂર્વ સૈનિકે શ્રીનિવાસ કુચીભોતલા નામના એન્જિનિયરની હેટ ક્રાઇમમાં હત્યા કરી હતી.
કૃષ્ણા એવું માનતો હતો કે અમેરિકાના પ્રેસિડન્ટ અને અમેરિકાના લોકોએ હું એ સમજાવી શકું કે ભારતીયો અમેરિકાના લોકો માટે કેટલો પ્રેમ અને લાગણી ધરાવે છે અને તેમની મહાનતા દર્શાવવા માટે તેણે ટ્રમ્પની પૂજા કરવાનું શરૂ કર્યું હતું.