Darshan Mehta Former CEO Of Reliance Brands Passes Away: ભારતીય લક્ઝરી રિટેલ જગતમાં ક્રાંતિ લાવનારા દિગ્ગજ બિઝનેસ લીડર અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL)ના પૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને CEO દર્શન મહેતાનું 64 વર્ષની વયે હાર્ટ અટૅકને લીધે અવસાન થયું.
દર્શન મહેતા (ફાઇલ તસવીર)
ભારતીય લક્ઝરી રિટેલ જગતમાં ક્રાંતિ લાવનારા દિગ્ગજ બિઝનેસ લીડર અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL)ના પૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને CEO દર્શન મહેતાનું બુધવારે 64 વર્ષની વયે હાર્ટ અટૅકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી દેશના ફૅશન અને રિટેલ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. દર્શન મહેતા એક એવા વ્યક્તિ હતા જેમણે ભારતમાં વૈશ્વિક બ્રાન્ડ્સને ઓળખ અપાવી અને દેશના રિટેલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી.
લક્ઝરી રિટેલના આગેવાન
દર્શન મહેતા વર્ષ 2007માં રિલાયન્સ બ્રાન્ડ્સની સ્થાપનાથી જ કંપની સાથે જોડાયા હતાં. ત્યારબાદ 17 વર્ષ સુધી તેમણે કંપનીમાં કામ કર્યું અને વધુ ઊંચાઈએ લઈ ગયા. તેમણે ભારતમાં વેલેન્ટિનો, બાલેન્સિયાગા, ટિફની એન્ડ કો., જીમ્મી ચૂ, જ્યોર્જિયો અરમાની, બુટેગા વેનેટા અને બર્બરી જેવા વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ્સ લાવ્યા અને તેમને ભારતીય બજારમાં સફળ બનાવ્યા.
ADVERTISEMENT
ભારતીય ફૅશનને વિશ્વમંચે પહોંચાડવાનો પ્રયાસ
મહેતાનું ધ્યાન માત્ર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પર જ નહોતું, પરંતુ તેમણે ભારતીય ફૅશન ડિઝાઇનરો સાથે પણ મહત્ત્વપૂર્ણ ભાગીદારી બનાવી. મનીષ મલ્હોત્રા, રાહુલ મિશ્રા અને અબુ જાની-સંદીપ ખોસલા જેવા દેશના અગ્રણી ડિઝાઇનરો સાથે ભાગીદારી કરીને ભારતીય કળાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ભારતીય હસ્તકળાને વૈશ્વિક ફૅશન સાથે જોડવાનો મહેતાનો પ્રયાસ તેમના ભારતના વિકાસ માટેના તેમના દૃષ્ટિકોણને. ગયા વર્ષે નવેમ્બરમાં મહેતાએ મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા છોડી દીધી હોવા છતાં, RBL સાથે તેઓ જોડાયેલા રહ્યા. તેઓ નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા અને તેમના વિશાળ ઉદ્યોગ જ્ઞાન અને અનુભવથી ટીમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું.
મોટાં વિલય અને વેચાણોના સ્થાપક
મહેતાના નેતૃત્વ હેઠળ રિલાયન્સ બ્રાન્ડ્સે અનેક મહત્ત્વપૂર્ણ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી. 2019માં UK સ્થિત જાણીતા ટૉય રિટેલર હૅમલીઝના અધિગ્રહણમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું વિઝન હતું કે દરેક ઉંમરના ગ્રાહકો માટે રિલાયન્સ પાસે કંઈક ખાસ હોવું જોઈએ.
વ્યવસાય જીવનની શરૂઆત અને યાત્રા
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે કરિયર શરૂ કરનાર દર્શન મહેતાએ PwC ઇન્ડિયામાંથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ લાલભાઈ ગ્રુપ, ગ્રે એડ્વર્ટાઈઝિંગ અને અર્વિંદ બ્રાન્ડ્સ જેવી કંપનીઓમાં ઉચ્ચ પદો સંભાળ્યા હતા. અર્વિંદ બ્રાન્ડ્સમાં તેમણે બ્રાન્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ઉદ્યોગ જગતમાં શોક અને શ્રદ્ધાંજલિ
તેમના અવસાનના સમાચાર બાદ દેશભરના ફૅશન અને બિઝનેસ ઉદ્યોગમાંથી સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિના સંદેશો શૅર થયા હતા. ઉદ્યોગપતિઓ, ડિઝાઇનર્સ અને સહકારીઓએ તેમને વિઝનરી, દયાળુ અને સમર્પિત લીડર તરીકે યાદ કર્યા. દર્શન મહેતાના અવસાનથી ભારતીય લક્ઝરી રિટેલ માટે એક યુગનો અંત આવ્યો છે કારણ કે તેમના યોગદાનથી ઉદ્યોગ પર અમીટ છાપ પડી છે. તેમનું વિઝન દેશના ફેશન અને રિટેલ ઉદ્યોગસાહસિકોની ભાવિ પેઢીઓને માર્ગદર્શિત કરતું રહેશે.

