ગોવામાં કોરોનાનું કમબેક : કુલ 11 કેસ નોંધાયા
પ્રતીકાત્મક તસવીર
ગોવામાં કોરોનાએ ઊથલો માર્યો છે જેને પગલે કુલ કેસનો આંકડો વધીને ૧૧ થયો છે. કલકત્તાથી પાછા આવેલા વાસ્કોના સાત રહેવાસીઓ પૈકી ત્રણના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. આ સાથે જ ગોવામાં એક સમયે એક પણ એક્ટિવ કેસ નહોતો ત્યાં શનિવાર સુધીમાં કુલ ૧૧ કેસ થઈ ગયા છે.
આરોગ્ય પ્રધાન વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે સાત લોકો કલકત્તાના ગંગાપુર બારજ (સપાટ તળિયાવાળી નૌકા)ની ડિલિવરી આપવા ગયા હતા જેઓ શુક્રવારે ગોવા પાછા ફર્યા હતા અને ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું. ત્રણ લોકોના સ્વેબ સેમ્પલ લઈને ખાતરી કરવા ગોવા મેડિકલ કૉલેજ અૅન્ડ હૉસ્પિટલમાં મોકલી અપાયા છે જ્યારે બાકીના ચાર લોકોને સંસ્થાકીય ક્વૉરન્ટીન સ્થળે ખસેડ્યા છે. કલકત્તાનું ગંગાપુર ગ્રીન ઝોનમાં છે અને વાસ્કોથી આ સાત લોકો ત્યાં હોડીની ડિલિવરી આપવા ગયા હતા. તેઓ શુક્રવારે સવારે ગોવાની મોલ્લેમ ચેકપોસ્ટથી પાછા પ્રવેશ્યા હતા અને તેમને ટેસ્ટ માટે લઈ જવાતા ત્રણ લોકો પૉઝિટિવ આવ્યા છે. અગાઉ પ્રથમ લૉકડાઉનના ગાળામાં ગોવામાં એક્ટિવ કેસના દરદીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હોવાથી તે ગ્રીન ઝોનમાં હતું, જો કે હવે ગોવામાં પૉઝિટિવ કેસની સંખ્યા વધીને ૧૧ ઉપર પહોંચી ગઈ છે.

