પંજાબ કૉન્ગ્રેસના નેતા પ્રતાપ બાજવાએ કહ્યું કે AAPના ૩૦ ધારાસભ્યો અમારા સંપર્કમાં : જો અરવિંદ કેજરીવાલને પંજાબના મુખ્ય પ્રધાન બનાવવાના પ્રયાસ થશે તો ભગવંત માન પંજાબમાં એકનાથ શિંદેવાળી કરે એવી શક્યતા
અરવિંદ કેજરીવાલ, નવજોત સિંહ સિદ્ધુ
દિલ્હી વિધાનસભાના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી (AAP)નો શરમજનક રકાસ થવાની સાથે પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પોતે પણ હાર્યા છે જેના કારણે આખી પાર્ટીનું ભવિષ્ય હવે ખતરામાં હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે દિલ્હી બાદ પંજાબમાં AAP સરકાર માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. દિલ્હીમાં AAPને નડેલી કૉન્ગ્રેસ જ પંજાબમાં AAP માટે નડતરરૂપ થાય એવી શક્યતા છે.
પંજાબમાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ બાજવાએ કહ્યું કે ‘આમ આદમી પાર્ટીના ૩૦ વિધાનસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન AAPના એકનાથ શિંદે સાબિત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ હવે પંજાબના પરોક્ષ મુખ્ય પ્રધાન બનવાની કોશિશ કરશે તો AAPમાં મોટી ઊથલપાથલ જોવા મળશે. દિલ્હીમાં AAPની હાર બાદ પાર્ટીના પ્રદેશ એકમમાં હવે મોટો વિવાદ સામે આવશે. આમ પણ પાર્ટીમાં અત્યારે પંજાબ AAP અને દિલ્હી AAP એમ બે ભાગલા થઈ જ ગયા છે.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ભગવંત માન પહેલાંથી જ કઠપૂતળી CM હતા, પરંતુ હવે તેઓ પાર્ટીની ટોચની લીડરશિપના અત્યાચારો સહન નહીં કરે. તેઓ પંજાબના એકનાથ શિંદે સાબિત થશે.’
દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ AAPએ પંજાબમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કરી હતી. પંજાબમાં સરકાર માટે જરૂરી ૫૯ વિધાનસભ્યોની સામે AAP પાસે ૯૩ વિધાનસભ્યો છે. એવામાં ભગવંત માન સરકાર પર હાલ તો કોઈ જ ખતરો નથી.
થોડા સમય પહેલાં પંજાબ AAPના અધ્યક્ષે કહ્યું હતું કે ‘પંજાબના મુખ્ય પ્રધાન તરીકે કોઈ સિખ જ હોય એવું જરૂરી નથી. આ નિવેદનના સંદર્ભમાં કૉન્ગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલને પંજાબના મુખ્ય પ્રધાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.’


