નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટમાં લશ્કર-એ-તય્યબાના કમાન્ડર સાજિદ જટ્ટ ઉપરાંત સાત આરોપીઓનાં નામ, આતંકવાદી ષડ્યંત્ર સાથે જોડાયેલા મહત્ત્વના પુરાવાઓ સામે આવ્યા
ગઈ કાલે જમ્મુમાં NIA સ્પેશ્યલ કોર્ટમાં પહલગામ ટેરર અટૅક વિશે ચાર્જશીટ ફાઇલ કરવા માટેના દસ્તાવેજો ટ્રકમાં લાવવામાં આવ્યા હતા.
એપ્રિલ મહિનામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ૨૩૭ દિવસ પછી ગઈ કાલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. NIAએ જમ્મુમાં સ્પેશ્યલ કોર્ટમાં દાખલ કરેલી ૧૬૯૭ પાનાંની ચાર્જશીટમાં ૭ આતંકવાદીઓ વિરુદ્ધ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. એમાં લશ્કર-એ-તય્યબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના સભ્યો છે.
આરોપપત્રમાં પાકિસ્તાનના ષડ્યંત્ર, આરોપીઓની ભૂમિકા અને તેમની સાથે જોડાયેલા સહાયક પુરાવાઓનું વિસ્તૃત વિવરણ આપ્યું છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટમાં કમાન્ડર સાજિદ જટ્ટનું નામ પણ છે જે પાકિસ્તાનમાં લશ્કર-એ-તય્યબા (LeT)નો ઑપરેશન ચીફ છે. NIAએ તેના માટે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. સૂત્રોના કહેવા મુજબ સાજિદને જ પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તે સૈફુલ્લાહ, નોમી, નુમાન, લંગડા, અલી સાજિદ, ઉસ્માન હબીબ અને શાની જેવાં નામોથી પણ જાણીતો છે અને પાકિસ્તાનના કસૌર જિલ્લામાં તેનો અડ્ડો છે. તેનું અસલી નામ હબીબુલ્લાહ મલિક છે.


