ગઈ કાલે કોલાબામાં ૧૮ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ગઈ કાલે રાત્રે અચાનક વરસાદ શરૂ થતાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલે પાર્લેમાં બાઇકરોએે છત્ર શોધવાની જરૂર પડી હતી. તસવીર : અનુરાગ અહિરે
ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધા બાદ પણ મુંબઈ સહિત આસપાસના અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે વીક-એન્ડ સુધી મુંબઈમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો અલર્ટ જાહેર કરી હતી. જોકે આગામી બે દિવસ સુધી પણ વરસાદની શક્યતા છે એટલે યલો અલર્ટ મંગળવાર સુધી લંબાવવામાં આવી છે. એ દરમ્યાન મુંબઈમાં હળવો અને આસપાસના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ પડવાની આગાહી કરી છે એની વચ્ચે તાપમાન ૩૪ ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે. આખો દિવસ ઊકળાટ થઈ રહ્યો છે અને સખત ગરમી અનુભવાઈ રહી છે જેને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. સાંજે કે મોડી સાંજે કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી હોવા છતાં શુક્રવાર અને ગઈ કાલે કોલાબામાં ૧૮ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો.