જોકે એ જ ટ્રેનમાં પ્રવાસ કરતી રેલવેની એક મહિલા કર્મચારીની સતર્કતાને લીધે નાલાસોપારાના આ બાળકનો તેના પરિવાર સાથે પુનઃ મેળાપ થઈ ગયો
બોરીવલી GRP સાથે પાંચ વર્ષનો છોકરો અને તેના પપ્પા
નાલાસોપારામાં રહેતો પાંચ વર્ષનો ગુજરાતી છોકરો શનિવારે સવારે રમતાં-રમતાં ઘરેથી નીકળી ગયા બાદ કલાકો સુધી પાછો ન ફરતાં નાલાસોપારા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે આ છોકરો રમતાં-રમતાં અંધેરીની લોકલ ટ્રેનમાં ચડી ગયો હતો. તેના પર એક સતર્ક મહિલા રેલવે-સ્ટાફની નજર પડતાં તેણે તે છોકરાને પોતાના કબજામાં લઈને તાત્કાલિક આ ઘટનાની જાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને કરી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયા અને સિટી પોલીસની મદદથી ગણતરીના કલાકમાં તેને તેનાં માતા-પિતાને પાછો સોંપવામાં આવ્યો હતો.
લોકલ ટ્રેનમાં એક મુસ્લિમ મહિલાએ આ છોકરાને પોતાની પાસે લેવાની ઘણી કોશિશ કરી હતી, પણ રેલવે-સ્ટાફે સતર્કતા વાપરીને તેને પોતાના તાબામાં રાખ્યો હતો એમ જણાવતાં બોરીવલી GRPના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કીર્તિ હરિયાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે એક વાગ્યાની આસપાસ મલાડ રેલવે-સ્ટેશન પર કાર્યરત મહિલા રેલવે-કર્મચારીએ નાલાસોપારાથી મલાડ આવવા ટ્રેન પકડી હતી. ત્યારે તેણે એ જ ડબ્બામાં એક છોકરાને એકલો બેઠેલો જોયો હતો. દહિસર સુધી તેની આસપાસ કોઈ ન આવતાં તેણે છોકરા પાસે જઈને તેની સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જોકે તે એ સમયે ખૂબ ગભરાયેલી હાલતમાં હતો. એ સમયે એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી એક મુસ્લિમ મહિલાએ છોકરાની નજીક આવીને તેને પોતાની સાથે લઈ જવાની વાત કરીને તેનો હાથ પકડી લીધો હતો. ત્યારે રેલવે-સ્ટાફે આ છોકરાને પોતાના કબજામાં રાખી તેને લઈને મલાડ રેલવે-સ્ટેશન પર ઊતરીને આ ઘટનાની જાણ અમને કરી હતી. તાત્કાલિક અમે તેનો કબજો રેલવે-સ્ટાફ પાસેથી લઈ લીધો હતો અને તેને અમારી ચોકીમાં બોરીવલી લઈ આવ્યા હતા. ત્યાર બાદ આ છોકરો ક્યાંથી છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. જોકે તે કંઈ જ બોલી રહ્યો નહોતો એટલે અમે તેનો ફોટો પાડીને GRPનાં વૉટ્સઍપ ગ્રુપોમાં પોસ્ટ કર્યો હતો. એની સાથે નજીકના જેટલા વિસ્તારો હતા એમાં પણ તેનો ફોટો શૅર કર્યો હતો. આશરે ત્રણ કલાક પછી નાલાસોપારા પોલીસે અમારો સંપર્ક કરીને તે છોકરો તેમના વિસ્તારમાંથી ગુમ થયો હોવાની જાણ અમને કરી હતી અને તેનો તાબો લેવા તેઓ આવ્યા હતા. ત્યાર પછી લીગલ પ્રોસીજર પૂરી કરીને તેને તેનાં માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.’