આ શહેરો સમુદ્રની સપાટીથી ત્રણ ફૂટ નીચે ઊતરી જવાની શક્યતા : ભારત પર ક્લાઇમેટ ચેન્જની થશે ગંભીર અસર
ફાઈલ તસવીર
પર્યાવરણમાં પરિવર્તન સંબંધી વૈજ્ઞાનિક અભ્યાસ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે નિયુક્ત કરેલી ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઇપીસીસી)એ ૯ ઑગસ્ટે બહાર પાડેલા છઠ્ઠા અસેસમેન્ટ રિપોર્ટમાં અનેક ગંભીર ચેતવણીઓ આપવામાં આવી છે. એ રિપોર્ટમાં આ સદીના અંત સુધીમાં મુંબઈ સહિત ૧૨ ભારતીય શહેરો પર જોખમ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે ઝડપી ગતિએ પ્રદૂષણકારી વાયુઓ છોડવાની પ્રવૃત્તિ એટલે કે કાર્બન ગૅસ એમિશન્સ પર નિયંત્રણ મૂકવામાં નહીં આવે તો ગ્લોબલ વૉર્મિંગ દ્વારા વૈશ્વિક ઉષ્ણતાનું પ્રમાણ ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધીને બે ડિગ્રી સેલ્સિયસ પર પહોંચવાની સંભાવના એ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે.
આઇપીસીસીના રિપોર્ટના આધારે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ એરૉનૉટિકલ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)એ સી લેવલ પ્રોજેક્શન ટૂલ રચીને વૈશ્વિક સ્તરે સમુદ્રી સપાટીના તફાવતોનો અભ્યાસ કર્યો હતો. નાસાના એ અભ્યાસમાં સદીના અંત સુધીમાં દરિયાની સપાટી વધતાં ભારતના દરિયાકાંઠાના મુંબઈ, કોચી, વિશાખપટ્ટનમ અને ચેન્નઈ સહિત ૧૨ શહેરો સમુદ્રની સપાટીથી ત્રણ ફૂટ નીચે ઊતરી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રિપોર્ટમાં સમગ્ર વિશ્વમાં સમુદ્રોની સપાટી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પર્યાવરણને નુકસાન થતાં દરિયાકાંઠાનો ધસારો વધશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.
ADVERTISEMENT
રિપોર્ટ તૈયાર કરનારા નિષ્ણાતોમાંથી એક નવી દિલ્હીના સેન્ટર ફૉર ઍટ્મોસ્ફિયરિક સાયન્સિસના વડા ડૉ. અચ્યુત ક્રિશ્ના રાવે જણાવ્યું હતું કે ‘સંશોધનના મહત્ત્વના મુદ્દામાં એક એવો છે કે આખી પૃથ્વીના ભૂમિ ક્ષેત્ર અને સમુદ્રી ક્ષેત્રોની સરખામણીમાં હિન્દી મહાસાગરમાં વધુ ઝડપ અને તીવ્રતાથી ગરમી વધે છે. ગરમી વધતાં પાણીનો વિસ્તાર થાય છે તેથી દરિયાઈ ક્ષેત્રનો વ્યાપ વધે છે. દરિયાઈ ઉષ્મામાં વૃદ્ધિને પગલે વિષુવવૃત્તીય વાવાઝોડાં (ટ્રૉપિકલ સાયક્લોન્સ) વધુ સર્જાય છે. શક્તિશાળી વાવાઝોડાં અને સમુદ્રી સપાટીમાં વૃદ્ધિના સમન્વયથી દરિયાકિનારા અને કાંઠાળ શહેરો પર જોખમ વધે છે. તાજેતરનાં વર્ષોમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે જે જોવા મળ્યું એનું વધુ તીવ્ર રૂપ જોવા મળે એવી શક્યતા છે.’


