માથેરાનમાં દોડશે ઇકો-ફ્રેન્ડલી ટ્રેન?
ફાઈલ તસવીર
ભારતીય રેલવે કાલકા-શિમલા લાઇન પર હાઇડ્રોજનથી ચાલતી નેરોગેજ લોકોમોટિવ ચલાવવાની યોજના ધરાવે છે, આ સાથે જ આ ટેક્નૉલૉજી નજીકના ભવિષ્યમાં માથેરાનમાં પણ અમલમાં મૂકવામાં આવે એવી સંભાવના છે. આ ઉપરાંત આગામી વર્ષના અંત સુધીમાં ઉપનગરીય રેલ નેટવર્કમાં પેસેન્જર ટ્રેન ચલાવવા માટે હાઇડ્રોજન ચાલિત રેલ એન્જિન બનાવવાની દિશામાં રેલવે કાર્ય કરી રહી છે.
આ બાબતનું સમર્થન કરતાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલકા-શિમલા સેક્શન પર ચાલનારા ડીઝલ હાઇડ્રોક્લોરિક એન્જિન માટે હાઇડ્રોજનના બળતણથી આધારિત હાઇબ્રીડ પાવર વિકસાવવા માટે રેલવેએ આ ક્ષેત્રે રૂચી ધરાવનારાઓને આમંત્રિત કર્યા છે. આ ટ્રેન માથેરાન પરની ટ્રેક કરતાં સહેજ મોટી નેરોગેજ ટ્રેક પર ચાલે છે. જોકે એક વેળા આ ટેક્નિકની શોધ થયા બાદ તમામ હિલ સ્ટેશન અને ટ્રેનોને ઇકો-ફ્રેન્ડલી બનાવી શકાશે.
ADVERTISEMENT
આ માટે જ સ્થાપિત કરાયેલા ઇન્ડિયન રેલવે ઓર્ગેનાઇઝેશન ફોર ઓલ્ટરનેટ ફ્યુલ (આઇઆરઓએએફ) એ જણાવ્યું હતું કે રેટ્રો ફિટમેન્ટ ૭૦૦ એચપી નેરોગેજ લોકોમોટિવ પર બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પારંપારિક સ્રોતો પરની નિર્ભરતા ઓછી કરવા માટે આ યોજના તૈયાર કરાઈ હતી.
શરૂઆતમાં લાઇનના ગ્રેડિયન્ટ અને કર્વ્ઝને ધ્યાનમાં લેતાં એક વિગતવાર યોજના તૈયાર કરાઈ હતી તથા લોકોમોટિવની ડિઝાઇન હાઇડ્રોજન ટેન્કને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ હતી તથા જે ૪૫ મિનિટની અંદર મેન્યુઅલી બદલી કરવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


