આમ તો મલબાર હિલમાં આવેલો રામટેક બંગલો સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે, કારણ કે આ બંગલાને અડીને દરિયાકિનારો છે.
આમ તો આ બંગલો નાનો છે, પણ ખાસ કારણસર ડિમાન્ડમાં છે
રાજ્યમાં દર પાંચ વર્ષે નવી સરકાર આવે ત્યારે બંગલાને લઈને પ્રધાનોની સારીએવી રસ્સીખેંચ જોવા મળતી હોય છે. આ વખતે હજી સુધી પ્રધાનમંડળની રચના થઈ ન હોવાથી એવા કોઈ સમાચાર નથી અને મોટા ભાગના પ્રધાનો એ જ રહેવાના હોવાથી એનો ચાન્સ પણ ઓછો છે.
આમ છતાં અત્યારે એક બંગલાને લઈને જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એ છે સાગર બંગલો. આમ તો આ બંગલો બીજા બંગલાઓની સરખામણીમાં નાનો છે અને રાજકારણીઓનો માનીતો બંગલો પણ નથી. વર્ષા બંગલો મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન હોવાથી દેવેન્દ્ર ફડણવીસ બહુ જ જલદી પોતાના સાગર બંગલામાંથી આ બંગલામાં શિફ્ટ થશે ત્યારે આ સાગર બંગલો સારોએવો ડિમાન્ડમાં છે.
ADVERTISEMENT
આ બંગલામાં રહેનારા બે પ્રધાન મુખ્ય પ્રધાન બન્યા હોવાથી એકનાથ શિંદેએ પણ આ જ બંગલામાં રહેવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. અશોક ચવાણ રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા ત્યારે આ બંગલામાં રહેતા હતા અને ત્યાંથી જ તેમને ૨૦૦૮માં મુખ્ય પ્રધાનપદનું પ્રમોશન મળ્યું હતું અને હવે દેવેન્દ્ર ફડણવીસ.
આમ તો મલબાર હિલમાં આવેલો રામટેક બંગલો સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે, કારણ કે આ બંગલાને અડીને દરિયાકિનારો છે. આ જ કારણસર છગન ભુજબળે નાયબ મુખ્ય પ્રધાનપદ ગયા બાદ પણ આ બંગલો છોડ્યો નહોતો. ત્યાર બાદ ડિમાન્ડમાં હોય છે મલબાર હિલમાં જ આવેલા દેવગિરિ અને અગ્રદૂત બંગલો. અજિત પવાર અત્યારે દેવગિરિ બંગલામાં રહે છે.

