છ વર્ષમાં રાજ્ય સરકાર દરિયામાં દેશની સૌથી મોટી ૨૧ કિલોમીટરની સી-લિન્ક બનાવી શકી, પણ આ જ સમયગાળામાં સુધરાઈ વિક્રોલી અને વિદ્યાવિહારમાં અડધા કિલોમીટરનો પુલ નથી બનાવી શકી.
વિદ્યાવિહાર અને વિક્રોલી
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે ૨૧ કિલોમીટર લાંબી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ)નું કામ ૬ વર્ષમાં પૂરું કર્યું છે. બીએમસી એ જ સમય દરમ્યાન શરૂ થયેલા બે બ્રિજ પૂરા કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેની સાઇઝ એમટીએચએલની સરખામણીમાં માત્ર ત્રણ ટકા છે.
ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ કિલોમીટરના શિવડી ન્હાવા શેવા લિન્ક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનું કામ એપ્રિલ ૨૦૧૮માં શરૂ થયું હતું. પ્રોજેક્ટ ૬ વર્ષ પૂરાં થાય એ પહેલાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે વિક્રોલી અને વિદ્યાવિહાર બ્રિજ હજી નથી થયા પૂરા.
ADVERTISEMENT
વિક્રોલીમાં બીએમસીએ મે ૨૦૧૮માં રોડઓવર બ્રિજનું કામ શરૂ કર્યું હતું, જે ઑક્ટોબર ૨૦૨૨ સુધી પૂરું થવાનું હતું. એ પ્રોજેક્ટ હવે જૂન ૨૦૨૪ સુધીમાં પૂરો થશે. બ્રિજની લંબાઈ આશરે ૬૫૬ મીટર છે. પ્રોજેક્ટમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે એ સમજાવતાં બીએમસીના ઑફિસરોએ કહ્યું હતું કે ‘બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેમાર્ગે કામ શરૂ થયા પછી સ્ટીલના ગર્ડરનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અતિક્રમણ કરનારાઓની સમસ્યા છે અને અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝને શિફ્ટ કરવાની છે. આ ઉપરાંત આઇઆઇટી મુંબઈએ કેટલાક ફેરફાર સૂચવ્યા છે.’
વિદ્યાવિહાર રેલઓવર બ્રિજનો મુદ્દો વિક્રોલી આરઓબી જેવો જ છે. વિદ્યાવિહાર આરઓબીનું કામ માર્ચ ૨૦૧૮માં શરૂ થયું હતું. આ યોજના ૨૦૨૨ના મધ્ય સુધી પૂરી થવાની હતી, પરંતુ હવે બીએમસીએ કહ્યું છે કે કામ ૨૦૨૪ના મધ્ય સુધીમાં પૂરું થશે. અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ત્યાં અતિક્રમણ હતું અને ટિકિટ બુકિંગ સ્ટેશનનું સ્થળાંતર કરવાની પણ જરૂર હતી. રેલવે ઑથોરિટીની અપગ્રેડ કરેલી ગાઇડલાઇન મુજબ બ્રિજની ડિઝાઇન બદલવાની જરૂર હતી.’
આ વિલંબ બે એજન્સીઓ વચ્ચે મિસ કો-ઑર્ડિનેશનને કારણે થયો હતો. કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તમામ સરકારી ઑથોરિટીઝે એમની વચ્ચે સંકલન કરવું જોઈએ. જોકે શહેરમાં ક્યારેય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન જોવા મળ્યું નથી. ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂરો કરવા માટે યોગ્ય સંકલનની જરૂર છે.


