અજિત પવારે BJP પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો એટલે હવે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણ કહે છે...
રવીન્દ્ર ચવાણ
પુણેમાં અને પિંપરી-ચિંચવડમાં મહાયુતિથી અલગ લડી રહેલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અજિત પવારે શુક્રવારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કારભારને વખોડીને અને એ ભ્રષ્ટાચાર કરે છે એમ કહીને વિવાદનો મધપૂડો ખુલ્લો મૂકી દીધો છે. મહારાષ્ટ્રના BJPના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે દાવો કર્યો છે કે અમને અજિત પવારને અમારી સાથે સામેલ કરવાનો અફસોસ છે. રવીન્દ્ર ચવાણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અજિત પવારને સામેલ કરતાં પહેલાં એ વિશે ચેતવણી પણ આપી હતી.
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન (PCMC)ની ચૂંટણીના પ્રચારમાં BJPના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે કહ્યું હતું કે ‘બધા લોકો જાણે છે કે કેવી પરિસ્થિતિમાં અજિત પવારે BJP સાથે હાથ મિલાવ્યા હતા. પુણે અને પિંપરી-ચિંચવડના પાર્ટી પદાધિકારીઓ મને કહેતા હતા કે તેમને (અજિત પવારને) સાથે લેતાં પહેલાં બે વાર વિચાર કરજો. મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ખાનગીમાં કહ્યું પણ હતું કે આપણે પુનર્વિચાર કરવો જોઈએ. હવે અમને અજિત પવારને અમારી સાથે લઈ જવા બદલ પસ્તાવો થાય છે.’
ADVERTISEMENT
અજિત પવારે શુક્રવારે BJPના અગાઉના વહીવટ અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. અજિત પવાર પર તેઓ મહા વિકાસ આઘાડીની સરકારમાં પ્રધાન હતા ત્યારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળાનો આરોપ લાગ્યો હતો.
રવીન્દ્ર ચવાણે વધુમાં કહ્યું હતું કે ‘કેટલીક ખાનગી એજન્સીઓ ચૂંટણી દરમ્યાન ખોટી વાતો ફેલાવવા માટે સલાહ આપે છે. અજિત પવાર કેન્દ્રમાં અને રાજ્યમાં અમારી સાથે જોડાયેલા છે, પરંતુ આ સ્થાનિક ચૂંટણીમાં તેમના પગ નીચેથી જમીન ખસી રહી છે. અજિત પવાર તેમને સલાહ આપતી એજન્સી દ્વારા સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આવા ખોટા આરોપો નહીં કરે. તેમના બધા આરોપો ખોટા છે. અમારું સૂત્ર છે કે અમે લાંચ નહીં લઈએ અને બીજા કોઈને નહીં આપીએ (ના ખાઉંગા, ના ખાને દૂંગા). કેન્દ્ર અને રાજ્યના નેતાઓનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં કામ પારદર્શક હોય. ચૂંટણી પછી અજિત પવાર તો હસીને કહેશે કે જે થયું એ જવા દો. હાલમાં તેઓ મોટેથી અને વારંવાર જૂઠું બોલવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે. જોકે BJPની ગ્રાઉન્ડ લેવલની તાકાત મજબૂત છે. મતદારો સમજદાર છે અને વિકાસને પ્રાથમિકતા આપશે. પિંપરી-ચિંચવડના મેયર ચોક્કસપણે BJPમાંથી જ હશે.’
સ્થાનિક વિધાનસભ્યો કેમ કંઈ બોલતા નથી?
અજિત પવારે BJP પર કરેલા આક્ષેપો બદલ સ્થાનિક વિધાનસભ્યો કેમ કંઈ બોલતા નથી એવો રવીન્દ્ર ચવાણને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પર આરોપો લાગે ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સમાન કક્ષાની કોઈ વ્યક્તિ જવાબ આપે. BJP શિસ્તબદ્ધ પક્ષ છે. અમે ચોક્કસ આરોપોનો જવાબ કોણે આપવો એ અંગે પ્રોટોકૉલ અને નિયમો સ્થાપિત કર્યા છે. અમે એ નિયમો અનુસાર કાર્ય કરીએ છીએ.’


