બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે સંગઠનમાં કેટલીક નવી નિયુક્તિ કરી હતી એમાં મહારાષ્ટ્રમાંથી વિનોદ તાવડેને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
વિનોદ તાવડે
બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય, વિધાન પરિષદના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા, મુંબઈ બીજેપીના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર બીજેપીના જનરલ સેક્રેટરી રહી ચૂકેલા વિનોદ તાવડેને બીજેપીએ નૅશનલ જનરલ સેક્રેટરી તરીકેની મોટી જવાબદારી સોંપી છે. વિનોદ તાવડેએ રાજકીય કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ લીડર તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી સેના (એબીપીવી)ના નેતા તરીકે કરી હતી. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે સંગઠનમાં કેટલીક નવી નિયુક્તિ કરી હતી એમાં મહારાષ્ટ્રમાંથી વિનોદ તાવડેને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
૨૦૧૪માં સ્થાપિત થયેલી મહારાષ્ટ્ર સરકાર અને ૧૨ તથા ૧૩મી લોકસભાની ચૂંટણી માટેની કો-ઑર્ડિનેશન પેનલમાં મહત્ત્વના સભ્યની જવાબદારી સંભાળનારા અને બોરીવલી વિધાનસભા મતદાર ક્ષેત્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ તાવડે સંગઠનના માણસ હોવાથી તેમને રાષ્ટ્રીય સ્તરે જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજેપીનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિનોદ તાવડે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસથી નારાજ હોવાથી છેલ્લા કેટલાક સમયથી પક્ષની પ્રવૃત્તિઓથી દૂર થઈ ગયા છે. ૨૦૧૯માં તેમને વિધાનસભાની ટિકિટ નહોતી અપાઈ અને બાદમાં તેમને મહત્ત્વનું પદ આપવાનું આશ્વાસન અપાયા બાદ પણ કંઈ ન થતાં તેઓ નારાજ હતા. આથી તેમની નારાજગી દૂર કરવા માટે બીજેપી દ્વારા તેમને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ વિનોદ તાવડે ઉપરાંત બિહારના ઋતુરાજ સિંહા અને ઝારખંડનાં આશા લાકડાની નૅશનલ સેક્રેટરી તો ભારતી ઘોષ અને શહજાદ પૂનાવાલાની નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્તિ કરી હતી.