વસઈકરે કોરોનામાં જીવ બચાવનાર હૉસ્પિટલને આપી અનોખી રિટર્ન ગિફ્ટ
વસઈના પીટર ફર્નાન્ડિસ પરિવારે કોવિડ પેશન્ટ્સને સારવાર આપતી હૉસ્પિટલમાં દીકરીનાં લગ્નના ભેટરૂપે આવેલી રકમ ડોનેટ કરી હતી
કોરોનાકાળમાં કોવિડ વૉરિયર્સના સન્માનમાં અનેક પ્રવૃત્તિઓ દેખાઈ આવી છે, પરંતુ વસઈના એક પરિવારે દીકરીનાં લગ્નમાં ભેટરૂપે આવેલી રકમ વસઈની કાર્ડિનલ ગ્રૅસિયસ મેમોરિયલ હૉસ્પિટલમાં ડોનેટ કરીને કંઈક અનોખું કરી દેખાડ્યું છે. લૉકડાઉન દરમ્યાન આ હૉસ્પિટલમાં કોરોનાના ૧૫૦૦થી પણ વધુ પેશન્ટ્સને સારવાર અપાઈ હતી.
વસઈમાં રહેતા પંચાવન વર્ષના પીટર ફર્નાન્ડિસ પોતે કોવિડ પેશન્ટ હતા. તેઓ ૨૦ ઑક્ટોબરથી છ દિવસ માટે વસઈની હૉસ્પિટલમાં તેમનાં લન્ગ્સ ફક્ત ૩૦ ટકા કામ કરી રહ્યાં હોવાથી દાખલ થયા હતા. હું જીવન-મરણ વચ્ચે લડત લડી રહ્યો હતો, પરંતુ હૉસ્પિટલની મહેનતે મારો જ નહીં, મારા જેવા અનેક પેશન્ટ્સના જીવ બચાવ્યા છે એમ જણાવીને પીટર ફર્નાન્ડિસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કોવિડ સેન્ટરે મને નવું જીવન આપ્યું હોવાથી મેં એના માટે કંઈ કરવાનું વિચારી લીધું હતું. મારી દીકરી તાનિયાનાં સાતમી ફેબ્રુઆરીએ લગ્ન થયાં હોવાથી આ મારા માટે તક બની ગઈ હતી. કોરોનાકાળને કારણે લગ્નમાં ૮૦ લોકોને જ આમંત્રિત કર્યા હતા. અમે એકદમ સાદાઈથી લગ્ન કર્યાં અને લગ્ન વખતે દીકરીને ભેટરૂપે મળેલું સોનું, કૅશ અને અન્ય વસ્તુઓ એમ કરીને પાંચ લાખ રૂપિયા ભેગા થયા હતા. આ રકમ હૉસ્પિટલના કામ માટે ઓછી હોવાથી મેં એમાં છ લાખ રૂપિયા ઉમેર્યા હતા. એમ કુલ ૧૧ લાખ રૂપિયા હૉસ્પિટલને ડોનેટ કરવામાં અમને સફળતા મળી હતી.’

