રાજ્યની વિધાન પરિષદના સભ્યો બનશે ઊર્મિલા માતોંડકર અને એકનાથ ખડસે?
એકનાથ ખડસે અને ઊર્મિલા માતોંડકર
રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારે રાજભવનને પીપલ ઑફ એમિનન્સની ભલામણ કરી છે, જેને પગલે તમામ આંખો અત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરફ મંડાયેલી છે. રાજ્યપાલના ક્વૉટામાં વિધાન પરિષદની ૧૨ ખાલી જગ્યા ભરવા માટે સુસંગત કાયદા અનુસાર આ યાદીમાં કળા, સાહિત્ય, સામાજિક સેવા અને સહકારના ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત રાજકારણીઓ સહિતની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
બિનસત્તાવાર અહેવાલ અનુસાર શિવસેનાએ બૉલીવુડની ‘રંગીલા’ ગર્લ ઊર્મિલા માતોંડકરના નામની ભલામણ કરી છે, જેણે ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં મળેલી હારને પગલે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને પગલે થયેલા વિવાદમાં ઊર્મિલાએ શિવસેનાનો પક્ષ લીધો હતો અને કંગના રનોટ સામે વિરોધ નોંધાવ્યો હતો. એનસીપીએ ગયા વર્ષે બીજેપી સાથેનો ૪૦ વર્ષનો સબંધ તોડનાર એકનાથ ખડસેનો સમાવેશ કર્યો હોવાના અહેવાલ છે.
ADVERTISEMENT
મંત્રીઓ અનિલ પરબ, નવાબ મલિક અને અમિત દેશમુખે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સીએમ ઉદ્ધવ ઠાકરેનું સીલબંધ કવર સુપરત કર્યું હતું. ચાલુ વર્ષના પ્રારંભમાં જગ્યા ખાલી થઈ હતી, પરંતુ કોરોના મહામારીને કારણે અને સાથે જ રાજ્યપાલ તથા એમવીએ વચ્ચેની ટસલને કારણે નામાંકનોમાં વિલંબ થયો હતો.
એમવીએને રાજ્યપાલ સરકારની ભલામણોને મંજૂર કરશે અને વિલંબ કર્યા વિના ઉમેદવારોને નામાંકિત કરશે એવો વિશ્વાસ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર શિવસેનાએ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને ગયા વર્ષે જ બીજેપીમાં જોડાનાર ચંદ્રકાન્ત રઘુવંશીની પણ ભલામણ કરી છે.
નામાંકન
શિવસેના : ઊર્મિલા માતોંડકર, ચંદ્રકાન્ત રઘુવંશી, નીતિન બાંગુડે પાટીલ, વિજય કરંજકર
એનસીપી : એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, આનંદ શિંદે, યશપાલ ભિંગે
કૉન્ગ્રેસ : રજની પાટીલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસેન, અનિરુદ્ધ બનકર

