સત્તાધારી પક્ષના આદિવાસી નેતાઓએ ત્રીજા માળેથી સેફ્ટી-નેટ પર કૂદકા માર્યા : નોકરીની ભરતી બાબતની માગણી માટેના અનોખા વિરોધ-પ્રદર્શન પછી સરકારે નમતું જોખવું પડ્યું
સેફ્ટી-નેટ પર અટવાયેલા નેતાઓ
દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયમાં ગઈ કાલે બપોરે અનોખો નઝારો જોવા મળ્યો હતો. આદિવાસી સમાજમાંથી આવતા મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય હરહરિ ઝીરવળ, વિધાનસભ્ય ડૉ. કિરણ લહામટે અને વિધાનસભ્ય રાજેશ પાટીલ; ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય કાશીરામ પાવરા, રાજેશ પાટીલ અને BJPના સંસદસભ્ય હેમંત સાવરાએ મંત્રાલયના ત્રીજા માળેથી પહેલા અને બીજા માળે બાંધવામાં આવેલી સેફ્ટી-નેટમાં કૂદકા માર્યા હતા. સરકારમાં સામેલ હોવા છતાં આદિવાસીઓના યુવાઓને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે એટલે સરકારનું ધ્યાન એ તરફ આકર્ષિત કરવા માટે આ હાઈ-વૉલ્ટેજ ડ્રામા વિધાનસભ્યોએ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આદિવાસી વિધાનસભ્યોના ડ્રામા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગઈ કાલે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આદિવાસી સમાજના યુવાનોને શેડ્યુલ્ડ ટ્રાઇબ મુજબ નહીં પણ આદિવાસીઓ માટેના અગાઉના નિર્ણય મુજબ નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.