સ્થાનિક લોકોના ધ્યાનમાં આ બાબત આવતાં તેઓ તરત જ તેમની મદદે દોડ્યા હતા અને ત્રણમાંથી એક જણને બચાવી લેવામાં તેમને સફળતા મળી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પુણેથી સિંધુદુર્ગના તારકર્લી બીચ પર ફરવા ગયેલા પાંચ યુવાનોના ગ્રુપમાંથી બે જણનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના ગઈ કાલે બપોરે બની હતી. આ પાંચ મિત્રો ગઈ કાલે બપોરે દરિયામાં નાહવા પડ્યા હતા. એમાંથી ત્રણ જણ ઊંડા પાણીમાં ચાલ્યા જતાં તણાવા માંડ્યા હતા. સ્થાનિક લોકોના ધ્યાનમાં આ બાબત આવતાં તેઓ તરત જ તેમની મદદે દોડ્યા હતા અને ત્રણમાંથી એક જણને બચાવી લેવામાં તેમને સફળતા મળી હતી, જ્યારે બે યુવાનો શુભમ સોનાવણે અને રોહિત કોળી ડૂબી ગયા હતા. થોડી વાર બાદ બન્નેના મૃતદેહ હાથ લાગ્યા હતા જેનો સ્થાનિક પોલીસે તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા. તેમના જે મિત્રને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો તેની હાલત પણ ખરાબ હોવાથી ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.


