ઑનલાઇન દિગ્ગજ કંપનીઓ દેશના કાયદાની અવગણના કરીને વ્યાપક ધંધો કરી રહી છે એટલું જ નહીં, વેપારીઓથી લઈને કર્મચારીઓ અને કામગારોનું શોષણ કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT), અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ, ઍમેઝૉન ઇન્ડિયા વર્કર્સ અસોસિએશન, ગિગ વર્કર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા, હૉકર્સ જૉઇન્ટ ઍક્શન કમિટી, તેલંગણ પ્લૅટફૉર્મ વર્કર્સ યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવી બહુરાષ્ટ્રીય ઑનલાઇન કંપનીઓના વિરોધમાં આવતી કાલે સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી આઝાદ મેદાનમાં ધરણાં કરવામાં આવશે.
આ બાબતની માહિતી આપતાં CAITના રાષ્ટ્રીય મહામંત્રી શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બધી જ ઑનલાઇન દિગ્ગજ કંપનીઓ દેશના કાયદાની અવગણના કરીને વ્યાપક ધંધો કરી રહી છે એટલું જ નહીં, વેપારીઓથી લઈને કર્મચારીઓ અને કામગારોનું શોષણ કરી રહી છે. અમે ઘણા લાંબા સમયથી તેમના પર કડક કાર્યવાહી કરવાની અને એક નિયમનકારી કમિશનની રચના કરવાની માગણી કરી રહ્યા છીએ. સરકાર ઑનલાઇન અને ઑફલાઇન બન્ને વ્યવસાય માટે એકસમાન કાયદા બનાવે જેથી નાના વેપારીઓએ ઑનલાઇન બિઝનેસને કારણે તેમનો બિઝનેસ બંધ કરવાની નોબત ન આવે. આ આંદોલનમાં વેપારીઓ, ઍમેઝૉન વેરહાઉસના કર્મચારીઓ અને સ્વિગી અને ઝોમાટો જેવી કંપનીઓના ડિલિવરી બૉય્ઝ એટલે કે ગિગ વર્કર્સ પણ સામેલ થશે.’
ગિગ વર્કર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા અને હૉકર્સ જૉઇન્ટ ઍક્શન કમિટીના લક્ષ્મણ આર્યએ કહ્યું હતું કે ‘આ બધી જ કંપનીઓ ઓછા પગારમાં કોઈ પણ પ્રકારનો બ્રેક આપ્યા વગર સતત દસ કલાક કામ કરાવે છે. અમારા માટે ગોડાઉનમાં કે ઑફિસમાં બેસવાની જગ્યા પણ પ્રોવાઇડ કરવામાં નથી આવતી. અમને ૧૧,૦૦૦ રૂપિયાના પગારમાં બહુ મોટો ટાર્ગેટ આપવામાં આવે છે એટલે વર્કરોએ શારીરિક અને માનસિક ત્રાસમાંથી પસાર થવું પડે છે.’