ગુજરાત-રાજસ્થાનની ટ્રેનને અંધેરી સ્ટેશન પર હૉલ્ટ આપવાની પ્રવાસીઓની માગ
ગુજરાત-રાજસ્થાનની ટ્રેનને અંધેરી સ્ટેશન પર હૉલ્ટ આપવાની પ્રવાસીઓની માગ
અંધેરી રેલવે સ્ટેશન પર મેટ્રો સ્ટેશન આવેલું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. મુંબઈના ખૂણે-ખૂણે સુધી જવા માટેની બસ-રેલવે-મેટ્રોની સારીએવી સુવિધા મળી રહે છે. રાજસ્થાન-ગુજરાત કે કચ્છની એક્સપ્રેસ ટ્રેનો જેમ બોરીવલીમાં ઊભી રહે છે એવી રીતે અંધેરીમાં ટ્રેનોને બે મિનિટનો પણ હૉલ્ટ મળે તો પ્રવાસીઓને ટાઇમ અને પૈસા બન્નેની બચત થાય એવી લોકોની ડિમાન્ડ છે. હાલમાં લોકલ ટ્રેન પણ સામાન્ય જનતા માટે બંધ જ છે ત્યારે બસ કે ટૅક્સી કરીને જતાં ભાડાં લોકોને પરવડતાં નથી ને સમય પણ વેડફાય છે.
આ બાબતે કચ્છ જનજાગૃતિ અભિયાનના સભ્ય કૃણાલ સંગોઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છની એક્સપ્રેસ ટ્રેનોને અંધેરીમાં હૉલ્ટ આપવા બાબતે અમે કોરોના પહેલાં રેલવેને પત્રવ્યવહાર કરેલો હતો. આ બાબતે અમારા પ્રયત્ન તો હજીયે ચાલુ જ છે. જોકે રેલવેનું કહેવું છે કે એક્સપ્રેસ ટ્રેનોના હૉલ્ટ માટે ડિસ્ટન્સ મેઇન્ટેન કરીને અમુક સ્ટેશને જ સ્ટૉપ રાખ્યું છે કેમ કે ટેક્નિકલી જોઈએ તો અંધેરીથી બોરીવલી ને બાંદરા વચ્ચેનો ગૅપ ઓછો થાય છે ને સમય વધારે જાય છે હૉલ્ટ કરવામાં. ટ્રેનને સિગ્નલ આપવામાં ટ્રાફિક પણ થાય છે. આથી અધેરીમાં હૉલ્ટ આપવો શક્ય નથી.’
આ બાબતે સમાજસેવક મનસુખ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છ-ગુજરાત-રાજસ્થાન અને બહારગામથી આવતી મોટા ભાગની ટ્રેનોને બોરીવલીની જેમ અંધેરી સ્ટેશનમાં પણ હૉલ્ટ આપવો જોઈએ એ બાબતે પંદર વર્ષોથી રેલવેપ્રધાન વગેરેને અમે અંધેરીના રહેવાસીઓએ લેટરો પણ લખેલા છે, કેમ કે અંધેરી ટ્રેનને સ્ટૉપ મળે તો ઘાટકોપર જવા સીધી મેટ્રો મળી જાય. આજે બૉમ્બે સેન્ટ્રલ પર પ્રવાસી ઊતરે પછી તેને દાદર રિર્ટન થવું પડે, જેથી સામાનને લીધે પ્રવાસીઓને હેરાનગતિ સહન કરવી પડે છે. વહેલી તકે પ્રવાસીઓની સુવિધા માટે અંધેરી સ્ટેશન પર પણ કચ્છ-ગુજરાત-રાજસ્થાનથી આવતી એક્સપ્રેસ ટ્રેનોને માત્ર બે મિનિટનો હૉલ્ટ આપો એવી મારી રેલવે પ્રશાસનને વિનંતી છે.’

