BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાળ ગણેશમૂર્તિઓના વિસર્જન માટે સ્ટીલની પ્લૅટો અને હોડીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન ગિરગામ ચોપાટી ખાતે અનંત ચતુર્દશીના વિસર્જન દિવસ માટે ખાસ ઇવેન્ટ મૅનેજમેન્ટ એજન્સીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એજન્સી ચોપાટી પર વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (VIP) બેઠક વ્યવસ્થા, રેડ કાર્પેટ, સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણીની સુવિધા અને મોટાં ગણેશ મંડળોનાં આગમન તથા વિસર્જનના લાઇન-અપનું વ્યવસ્થાપન સંભાળશે.
BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાળ ગણેશમૂર્તિઓના વિસર્જન માટે સ્ટીલની પ્લૅટો અને હોડીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરગામ ચોપાટી પર દર વર્ષે લાલબાગચા રાજા, ચિંતામણિ અને ગિરગાવચા રાજા સહિત ૭૦૦૦થી વધુ સાર્વજનિક મૂર્તિઓનું વિસર્જન થાય છે. આ કામગીરીને વધુ સુરક્ષિત બનાવવા માટે BMCએ લાઇફગાર્ડ્સ, પ્રોફેશનલ સ્કુબા ડાઇવર્સ અને ભીડ નિયંત્રણ માટે અલગથી ટેન્ડર બહાર પાડ્યા છે.
