ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યાના એક મહિના બાદ સોમવારે મુંબઈ સુધરાઈની વેબસાઇટ પર નવા લાઇસન્સવાળા ફેરિયાઓની યાદી જાહેર કરવામાં આવશે.
બીએમસી સોમવારે જાહેર કરશે લાઇસન્સવાળા ફેરિયાઓની યાદી
મુંબઈ : ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યાના એક મહિના બાદ સોમવારે મુંબઈ સુધરાઈની વેબસાઇટ પર નવા લાઇસન્સવાળા ફેરિયાઓની યાદી જાહેર કરવામાં આવશે. બહુ ઓછા ફેરિયાઓની પસંદગી કરવાની આ પ્રક્રિયાનો હૉકર્સ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. લેબર કમિશનરને યાદી મોકલવામાં આવશે, જેઓ ફેરિયાઓના પ્રતિનિધિઓની ચૂંટણી યોજશે. તેઓ ટાઉન વેન્ડિંગ કમિટી (ટીવીસી)ના પ્રતિનિધિઓ બનશે અને લાઇસન્સના વિતરણની મહત્ત્વની કામગીરી મામલે અંગે નિર્ણય લેશે.
એક તરફ બીએમસીની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો બીજી તરફ સુધરાઈએ લાંબા સમયથી અટકેલી ફેરિયાઓને લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. બે વખત મોકૂફ રાખ્યા બાદ ત્રીજી મેએ ટીવીસીની બેઠક આયોજિત કરાઈ હતી. શહેરના ત્રણ લાખ ફેરિયાઓમાંથી માત્ર ૧૦ ટકાનો સમાવેશ થયો હોવાથી શહેરના ફેરિયાઓનું પ્રતિનિધિ કરતાં યુનિયનોએ એનો વિરોધ કર્યો હતો. જોકે કેટલાક આના સમર્થનમાં પણ હતા. સમર્થન કરનારાઓઓ દસ હતા તો વિરોધ કરનારાઓ સાત હોવાથી નિર્ણય પસાર થયો હતો. ટીવીસીનું નેતૃત્વ સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલ કરશે.
સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કમિશનરે પ્રસ્તાવને મંજૂરી આપી હોવાથી ફેરિયાઓની યાદી સોમવારે જાહેર કરવામાં આવશે. યુનિયન સહિત તમામ લોકો આની સામે વાંધાવિરોધ એક મહિના સુધી નોંધાવી શકશે.’
તેમના પ્રતિનિધિઓ ચૂંટવા માટે લેબર કમિશનરને જણાવવામાં આવશે. આઝાદ હૉકર્સ યુનિયનના અધ્યક્ષ દયાશંકર સિંહે કહ્યું હતું કે ‘૨૦૧૬ની માહિતીના આધારે માત્ર ૩૨,૦૦૦ ફેરિયાઓની પસંદગી કરીને ચૂંટણી કરાવવાના સુધરાઈના નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ તેમ જ નવેસરની સર્વે કરવાની માગ કરીએ છીએ. દાદરમાં આ મામલે અમે એક મીટિંગ પણ કરી હતી. અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્ણયની રાહ જોઈએ છીએ.’
૨૦૧૬માં સુધરાઈએ ૧.૨૮ લાખ ફૉર્મ ફેરિયાઓને આપ્યાં હતાં, જેમાંથી ૯૯,૪૩૫ ભરવામાં આવ્યાં હતાં. ડૉમિસાઇલ ફરજિયાત હોવાથી ૨૦૧૯માં માત્ર ૧૫,૩૬૧ ફેરિયાઓ જ માન્ય કરાયા હતા. ડૉમિસાઇલના નિયમમાં છૂટછાટ બાદ યાદીમાં સુધારો કરાયો હતો. મુંબઈ હૉકર્સ યુનિયનના અધ્યક્ષ શશાંક રાવે પણ માત્ર ૩૨,૦૦૦ ફેરિયાઓમાંથી પ્રતિનિધિઓની પસંદગી કરવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે.