સુશાંત કેસ : અપપ્રચાર કરનારા બિહારના યુટ્યુબર સામે કેસ નોંધાયો
આરોપી રાશિદ સિદ્દીકી (ડાબે) અને વિભોર આનંદ બાંદરા ખાતેના સાઇબર સેલ પોલીસ સ્ટેશનમાં.
સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસ વિશે અનેકોની બદનક્ષી કરતી પોસ્ટ્સ અપલોડ કરનારા બિહારના યુટ્યુબરની મુંબઈ પોલીસના સાઇબર સેલે ધરપકડ કરી હતી. વ્યવસાયે સિવિલ એન્જિનિયર પચીસ વર્ષનો રાશિદ સિદ્દીકી ચાર મહિનામાં મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે અને અભિનેતા અક્ષય કુમારની બદનક્ષી કરતી પોસ્ટ્સ દ્વારા ૧૫ લાખ રૂપિયા કમાયો હતો. અભિનેતા અક્ષય કુમારે ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની નોટિસ પણ મોકલી છે.
રાશિદ તેની યુટ્યુબ ચૅનલ ‘એફએફ ન્યુઝ’ પર બદનક્ષી કરતી પોસ્ટ્સ પ્રસારિત કરતો હતો. શિવસેનાના લીગલ સેલના વડા ઍડ્વોકેટ ધર્મેન્દ્ર મિશ્રાએ ગઈ પાંચમી ઑગસ્ટે ‘એફએફ ન્યુઝ’ના માલિક રાશિદ સિદ્દીકી સામે ફરિયાદ નોંધાવી હતી. એ સંદર્ભમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સાઇબર) (ડીસીપી) ડૉ. રશ્મિ કરંદીકરે જણાવ્યું હતું કે ‘અમે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમો ૫૦૫(૨), ૫૦૦, ૫૦૧ અને ૫૦૪ હેઠળ કેસ નોંધ્યો છે. કેસની તપાસ ચાલે છે. રાશિદની ચૅનલ પર સુશાંત કેસની શરૂઆતની કેટલીક પોસ્ટ્સને મોટી સંખ્યામાં દર્શકો પ્રાપ્ત થતાં તેની હિંમત વધવા માંડી હતી, એથી તેણે બદનક્ષી કરતી પોસ્ટ્સ અપલોડ કરવા માંડી હતી. ફક્ત સપ્ટેમ્બર મહિનામાં તેણે એ બદનક્ષી કરતી પોસ્ટ્સ દ્વારા ૬.૫ લાખ રૂપિયાની કમાણી કરી હતી. લૉકડાઉનમાં એ પોસ્ટ્સ ખૂબ લોકપ્રિય થવા માંડી હતી. ચાર મહિનામાં ‘એફએફ ન્યુઝ’ ચૅનલને ૧૫ લાખ રૂપિયાની કમાણી થઈ હતી.’
ADVERTISEMENT
રાશિદ સિદ્દીકીના વકીલ જે.પી. જાયસ્વાલે જણાવ્યું હતું કે અદાલતે મારા અસીલની આગોતરા જામીન અરજી મંજૂર કરતાં તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે. અભિનેતા અક્ષય કુમારે ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની નોટિસ મોકલી હોવાનું કબૂલતાં જણાવ્યું હતું કે જવાબ આપવા માટે નોટિસનો અભ્યાસ કરી રહ્યા છીએ. દર મંગળવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાના અદાલતના આદેશનું પાલન કરવા રાશિદ દર અઠવાડિયે બિહારથી ફ્લાઇટમાં આવે છે.

