મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની અચાનક રી-એન્ટ્રી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલે સવારથી વાદળછાયું વાતાવરણ રહેવાને લીધે ભારે ઉકળાટ અનુભવાયો હતો. જોકે સાંજે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો એથી શહેરના વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી ઠંડક અનુભવાઈ હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં થાણે અને પુણે સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસલીકરે કહ્યું હતું કે હવામાનમાં અચાનક થયેલા બદલાવથી વરસાદ પડવાની શક્યતા હતી. ચોમાસાના પાછલા દિવસોમાં આ રીતે વરસાદ પડતો હોય છે એટલે નુકસાન થાય એટલો વરસાદ નહીં પડે એમ પણ તેમણે કહ્યું હતું.
આ ચોમાસામાં મુંબઈમાં વરસાદે અનેક રેકૉર્ડ તોડ્યા છે ત્યારે ગઈ કાલે ફરી થોડા સમય માટે વરસાદ પડતાં ક્યાંક ફરી ચોમાસું સક્રિય નથી થયુંને એવો સવાલ સૌના મનમાં જાગ્યો હતો. જોકે ગણતરીની મિનિટો બાદ વરસાદ બંધ થઈ જતાં સૌએ રાહત અનુભવી હતી. વરસાદને લીધે દિવસભર અનુભવાયેલો ઉકળાટ ઓછો થયો હતો અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

