સોનાલી સૂદ નાગપુરમાં ઍરપોર્ટથી પોતાની બહેનના ઘરે જઈ રહી હતી ત્યારે તેની કાર રસ્તા પર પાર્ક કરવામાં આવેલી ટ્રક સાથે અથડાઈ હતી
સોનુ સૂદની પત્ની જે કારમાં હતી એનો ખુરદો બોલી ગયો હતો.
ઍક્ટર અને સમાજસેવક સોનુ સૂદની પત્ની સોનાલી સૂદનો સોમવારે રાતે નાગપુર ઍરપોર્ટથી કારમાં તેની બહેનના ઘરે જતી વખતે ઍક્સિડન્ટ થયો હતો. ત્યારે સોનાલી સાથે તેની બહેન સુમિતા સાળવે અને ભાણેજ હતો. આ ઍક્સિડન્ટમાં સોનાલી અને તેના ભાણેજને ઈજા થતાં નાગપુરની મૅક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
નાગપુર પોલીસે જણાવ્યા અનુસાર આ અકસ્માત સોમવારે મોડી રાતે થયો હતો. વર્ધા રોડ પર સોનેગાવ પાસે તેમની કાર પાર્ક કરવામાં આવેલી એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત વખતે કાર સોનાલીનો ભાણેજ ચલાવી રહ્યો હતો. સોનાલી તેની બાજુમાં આગળની સીટ પર બેઠી હતી જ્યારે તેની બહેન સુમિતા અને અન્ય સંબંધી પાછળની સીટ પર બેઠાં હતાં. કાર ટ્રક સાથે અથડાઈ ત્યારે ઍરબૅગ્સ ખૂલી જતાં તેઓ બચી ગયાં હતાં. ઘટનાની માહિતી મળતાં સોનુ સૂદ નાગપુર પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
સોનુએ કહ્યું હતું કે ‘સોનાલીની તબિયત હવે સારી છે. હવે બધાં ઘરે છે અને અકસ્માત પછી ઍરબૅગ્સ સમયસર ખૂલી જતાં મોટી ઈજા નહોતી થઈ. ઍક્સિડન્ટમાં તેઓ ચમત્કારિક રીતે બચી ગયાં હતાં, ઓમ સાંઈરામ.’

