જીવનું જોખમ હોવાની શક્યતાને પગલે ઝેડ પ્લસ સિક્યૉરિટી હોવા છતાં ફોર્સ વનના બીજા ચાર કમાન્ડો તહેનાત કરાયા
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસની સિક્યૉરિટીમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે જ શા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે એની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના રિપોર્ટમાં દેવેન્દ્ર ફડણવીસને જીવનું જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. આથી રાતોરાત ઝેડ પ્લસ સિક્યૉરિટી ઉપરાંત ફોર્સ વનના ચાર શસ્ત્રધારી કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સુરક્ષામાં વધારો કરવામાં આવ્યા બાદ હવે દેવેન્દ્ર ફડણવીસ સાથે આધુનિક શસ્ત્રો સાથે ફોર્સ વનના ચાર કમાન્ડો સહિત કુલ ૧૮ જવાન હશે. આ ઉપરાંત પહેલાં કરતાં ગનમેનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.