રોજ સવારે દેવેન્દ્ર ફડણવીસની નિંદા કરતા સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાનની તરફેણ કરીને આશ્ચર્ય સરજ્યું
સંજય રાઉત
રોજ સવાર પડે ને ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નિંદા કરનારા ઉદ્ધવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે રાજ્યના ચીફ મિનિસ્ટરની બાજુ લઈને નવાઈ સર્જી હતી. આ તરફેણ તેમણે યુતિ તૂટવાના મુદ્દા પર કરી હતી જેના માટે છેલ્લાં થોડાં વર્ષોથી ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તરફથી દેવેન્દ્ર ફડણવીસને ગુનેગાર ગણવામાં આવી રહ્યા છે.
સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૧૪માં દરેક બેઠક માટે ૭૨-૭૨ કલાક ચર્ચા થઈ હતી. હું એમાં સામેલ હતો. BJPના ઓમ માથુર પ્રભારી હતા. દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ સંજોગોમાં યુતિ તૂટે નહીં એ મતના હતા. આ હું પ્રામાણિકપણે કહી રહ્યો છું. એ વખતે યુતિ કરવા માટે તેમની ભૂમિકા સકારાત્મક હતી, પણ BJPના દિલ્હીના નેતાઓએ નક્કી કરીને રાખ્યું હોવાથી યુતિ તૂટી હતી.’
૨૦૧૪માં BJP અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યાં હતાં, પણ પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે સરકાર બનાવવા માટે BJPને સપોર્ટ કરીને સરકારમાં સામેલ થવાની તૈયારી બતાવી હોવાથી શિવસેનાએ યુતિ કરી હતી અને દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળ પાંચ વર્ષ સરકાર ચાલી હતી.

