પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીના પ્રવક્તાએ દાવો કરતાં ખળભળાટ
સંજય રાઉત, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે અને રાજકીય ગતિવિધિઓ વધી છે ત્યારે પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકળેએ સંજય રાઉતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓની અને દેવેન્દ્ર ફડણવીસે માતોશ્રીમાં ગુપ્ત મુલાકાત કરી હોવાનો દાવો કર્યો છે. આ દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપ થશે કે કેમ એવો સવાલ થઈ રહ્યો છે.
વંચિત બહુજન આઘાડીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકળેએ સોમવારે કહ્યું હતું કે ‘BJP અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ગુપ્ત બેઠક અને વાતચીત થઈ રહી હોવાનો સંકેત મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત પચીસ જુલાઈએ દિલ્હીમાં ૭ ડી મોતીલાલ માર્ગ ખાતે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતા. દસ દિવસ પછી પાંચ ઑગસ્ટે દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેઓ પોતે કાર ચલાવીને એકલા માતોશ્રી ગયા હતા અને બે કલાક રોકાયા હતા. દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રીમાં ગયા બાદ બીજા દિવસે ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા. આ સમયે તેમની સાથે કોણ હતું? તેઓ દિલ્હીમાં કોને મળ્યા? બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું? એની માહિતી જાહેર કરવી જોઈએ.’